જ્યારે ટ્રક ચાલકનું નામ સુરેન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ હોવાનું જણાવ્યું અને દારૂના નશામાં હોવાનો અણસાર
- એક આઇસર ટ્રકના ચલકે બેદરકારીથી ટ્રક રિવર્સ લઈ કોમન દીવાલને અથડાવી
- સોસાયટીના રહીશો અને એડવોકેટે ટ્રક ચાલકને પકડી વાડી પોલિસને જાણ કરી.
- વાડી પોલિસે દારૂના નશામાં ટ્રક ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ નજીક વિશ્વનાથ ટોકીઝ પાછળ આવેલી આદર્શનગર સોસાયટીમાં રવિવારે બપોરે એક બેદરકાર ટ્રક ચાલકે દારૂના નશામાં ટ્રક રિવર્સ લેતાં સોસાયટીની કોમન દીવાલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
માહિતી મુજબ, ત્યાં રહેતા એડવોકેટ ભાવેશ વિજયભાઇ કાહારે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે બપોરે પોણા ચાર વાગ્યે તેઓ પોતાની માતા સાથે ઘરના કમ્પાઉન્ડમાં બેઠા હતાં ત્યારે અથડામણનો અવાજ સંભળાતા બહાર જોવા જતા એક આઇસર ટ્રક તેમની સોસાયટીની દીવાલ સાથે અથડાયેલો દેખાયો.
ટ્રક ચાલક ટ્રક સાથે તેની ઓફિસ ટીસીઆઈ એક્સપ્રેસ તરફ જતો રહેતા, સોસાયટીના રહીશો તેની પાછળ પહોંચ્યા હતા અને તેને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન ચાલકે પોતાનું નામ સુરેન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ હોવાનું જણાવ્યું અને દારૂના નશામાં હોવાનો ગંભીર અણસાર મળતાં રહીશોએ તરત જ વાડી પોલીસને જાણ કરી હતી.
પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સોસાયટીની દીવાલને નુકસાન થયું હતું.