ભારે વરસાદના કારણે શહેર તેમજ જિલ્લાના ધોરીમાર્ગો અને નેશનલ હાઇવેના માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. તે સાથે જીવલેણ અકસ્માતોને આમંત્રણ આપે તેવા મોટા ખાડાઓ પડી ગયા છે. મોડી સાંજે બીમાર દીકરીની ખબર કાઢવા જઈ રહેલ પરિવાર સવાર બાઇક જરોદ પાસે ખાડામાં ખોટકાતા પરિવાર રોડ પર ફંગોળાયું હતું. જેમાં પત્નીનું મોત નિપજ્યું હતુ. જ્યારે એક વર્ષના બાળકનો અદભૂત બચાવ થયો છે.
મળેલી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નીનામાની વાવ ગામના માળી ફળિયામાં રહેતો 24 વર્ષીય શૈલેષ સુરસીંગ નીનામા 23 વર્ષીય પત્ની કમીલાબેન તેમજ એક વર્ષના પુત્ર અવિનાશ સાથે વડોદરાના ધુમાડ ચોકડી પાસે ભાડાના મકાનમાં રહેતો હતો અને આ પત્ની સાથે ગોરવા ખાતે કડીયા નાકા ઉપર ઉભા રહીને રોજે રોજ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
શૈલેષ અને કમીલા પોતાની ચાર વર્ષની મોટી દીકરી જીનલને વતનમાં માતા-પિતા પાસે મૂકીને વડોદરા મજૂરી કામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી જીનલ બીમાર હોઇ, દંપતિ મોડી સાંજે બાઈક ઉપર વતનમાં દીકરીની ખબર જોવા માટે નીકળ્યા હતા. દરમિયાન વડોદરા – હાલોલ રોડ ઉપર જરોદ ગામ પાસે પાંચ દેવલા નજીક રોડ ઉપર પડેલા મોટા ખાડાના કારણે બાઇક પડતા બાઈક સવાર ત્રણે રોડ ઉપર પટકાયા હતા. જેમાં કમીલાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે શૈલેષ અને તેના પુત્રને શરીર પર નાની – મોટી ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતમાં મોતને ભેટેલ કમીલાબેનના દિયર અર્જુન નીનામાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અકસ્માત સર્જાતા ભાઈ શૈલેષનો ફોન આવતા તુરત જ હું સ્થળ ઉપર જવા માટે નીકળી ગયો હતો. સ્થળ પર આવ્યા બાદ ખબર પડી કે ભાભીને જરોદ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આથી સયાજી હોસ્પિટલ જવા નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં હતો ત્યારેજ ભાઈ શૈલેષનો ફોન આવ્યો કે કમીલાનું મોત નિપજ્યું છે અને પુત્ર અવિનાશની તબિયત સારી છે. ભાભીના મોતના સમાચાર સાંભળતા જ હું સ્તબ્ધ થઈ ગયો હતો. તે બાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ભાઈને હિંમત આપી હતી.
અર્જુન નીનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઈને જે જગ્યા ઉપર અકસ્માત નડ્યો હતો, તેજ જગ્યાએ એકટીવા ઉપર પસાર થયેલા એક પરિવારને પણ અકસ્માત નડ્યો હતો અને સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ આવી હતી. અને તેઓને હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળી રહી હતી. તે જ સમયે મારા ભાઈને પણ અકસ્માત નડ્યો હોઇ અને ભાભીને ગંભીર ઇજા પહોંચી હોવાથી 108 એમ્બ્યુલન્સ તેઓને પણ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે બેસાડી દીધા હતા. પરંતુ ભાભીના માથામાં ગંભીર પહોંચવાના કારણે તેઓનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. પરંતુ આ ઘટનામાં મારા ભત્રીજા અવિનાશનો આબાદ બચાવ થયો છે. અને ભાઇને સામાન્ય ઇજા પહોંચી છે.
વડોદરા – હાલોલ રોડ ઉપર જરોદ ગામ પાસે પાંચ દેવલા નજીક બનેલી આ ઘટના અંગે જરોદ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે ભારે વરસાદના કારણે વડોદરા – હાલોલ રોડ ઉપર ઠેર – ઠેર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વડોદરા – હાલોલ રોડ ઉપર પડેલા ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે તેવી વડોદરા – હાલોલ રોડ ઉપરના ગ્રામ્યજનોએ માંગ કરી છે.