શાળામાં વિદ્યાર્થીને માથામાં કડું વાગતા તેમાંથી લોહીની ધાર છુટી હતી. ઘટના અંગે જાણ થતા વિદ્યાર્થીના માતા-પિતા શાળાએ પહોંચ્યા છે.
- શાળામાં વિદ્યાર્થીની સુરક્ષાને લઇને ચિંતા કરાવે તેવી ઘટના
- મોબાઇલ લાવવા જેવી બાબતે વિદ્યાર્થીએ વિદ્યાર્થીને કડું મારી દીધું
- પિતાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું
વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી માથાકુટના અંતે એક વિદ્યાર્થીનું માથું ફૂટ્યું છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી તાત્કાલિક શાળાએ દોડી આવ્યા છે. ઘટના બાદ મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રિયામાં વિદ્યાર્થીએ જણાવ્યું કે, એક વિદ્યાર્થીના મોબાઇલ લાવવા અંગે મેં શિક્ષકને વાત કરી હતી. તે વાતને ધ્યાને રાખીને મને માથામાં પંજાબી કડું મારી દેવામાં આવ્યું છે. મને માથામાં ઉંડો ઘા વાગ્યો હોવાથી ડોક્ટરે ટાંકા લેવા પડશે તેમ જણાવ્યું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે, તે જોવું રહ્યું.
વડોદરામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે વધુ એક વખત ચિંતા કરાવે તેવી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલય નજીવી બાબતે ધો – 10 માં ભણતા વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી પર હિંસક હુમલો કરી દેવાયો છે. વિદ્યાર્થીને માથામાં કડું વાગતા તેમાંથી લોહીની ધાર છુટી હતી. ઘટના અંગે જાણ થતા વિદ્યાર્થીના માતા-પિતા શાળાએ પહોંચ્યા છે. અને હિંસા આચરનાર વિદ્યાર્થી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીએ દર્શાવી રહ્યા છે. જો કે, આ ઘટના અંગે શાળા સંચાલકો દ્વારા સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે વાલીમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
શાળામાં હિંસાનો ભોગ બનેલા વિદ્યાર્થીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું ધો- 10 માં ભણું છું. ક્લાસમાં એક છોકરો મોબાઇલ લાવ્યો હતો. જે અંગેની જાણ મેં મેડમને કરી હતી. જેથી તેના મિત્રએ મને કહ્યું કે, તું કેમ આવું કરે છે, બાદમાં બહાર નીકળીને તેણે મને માથામાં કડું મારી દીધું હતું. મારનાર વિદ્યાર્થી પણ ધો – 10 માં ભણે છે. અમે પોલીસ ફરિયાદ કરવાના છે. ડોક્ટરે કહ્યું કે, ઉંડો ઘા વાગ્યો છે, જેથી ટાંકા લેવા પડશે. આ ઘટના અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, અમે પોલીસ કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ.