સ્થાનિકોની માંગ રેલવે નાળું તાત્કાલિક અવરજવર માટે ખુલ્લું કરવામાં આવે.
બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા થાય.
પવિત્ર રમઝાન માસમાં ચીજવસ્તુઓની હેરાફેરી માટે રસ્તો મળે.
રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતી લૂંટફાટ પર લગામ કસાય.
વડોદરામાં વહીવટી તંત્ર અને રેલવે વિભાગના એકાએક લીધેલા નિર્ણયથી હજારો લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રિયલક્ષ્મી મીલ વિસ્તારનું વર્ષો જૂનું નાળું કોઈ પણ પૂર્વ નોટિસ વગર બંધ કરી દેવામાં આવતા અડધો ડઝનથી વધુ સોસાયટીઓ અને ચાલીઓનો સંપર્ક શહેરના મુખ્ય માર્ગથી કપાઈ ગયો છે. સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ દ્રશ્યો છે વડોદરાના પ્રિયલક્ષ્મી મીલ વિસ્તારના, જ્યાં રેલવે તંત્ર દ્વારા અચાનક નાળું બંધ કરી દેવામાં આવ્યું છે. આ રસ્તો બંધ થવાથી પ્રિયલક્ષ્મીની ચાલ, પારસીની ચાલ, અલકાનગર અને સુરભી એપાર્ટમેન્ટ જેવા વિસ્તારો જાણે કેદ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આવતીકાલ એટલે કે ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. રસ્તો બંધ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર કેવી રીતે પહોંચશે તે મોટો પ્રશ્ન છે. બીજી તરફ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઈ રહ્યો છે, ત્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓની લારીઓ અંદર ન આવી શકતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક મહિલાઓનો આક્રોશ સાતમા આસમાને છે. તેમનું કહેવું છે કે વૈકલ્પિક રસ્તો બ્રિજ પરથી હોવાથી ત્યાં સતત ટ્રાફિક જામ રહે છે. વળી, રિક્ષા ચાલકો લાંબો ફેરો થવાના કારણે 20 રૂપિયાના બદલે 100 થી 200 રૂપિયા જેટલું મનસ્વી ભાડું માંગી રહ્યા છે. જો કોઈ ઈમરજન્સી કે બીમારીનો કિસ્સો બને તો હોસ્પિટલ પહોંચવું પણ હવે જંગ જીતવા સમાન બની ગયું છે.
સ્થાનિકોની એક જ માંગ છે કે રેલવે અને વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તો ખુલ્લો કરે અથવા કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. જો સમયસર ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આ જનરોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.