વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં ઘરના મોભીએ પિતા પત્ની તેમજ પુત્રને શેરડીના રસમાં ઝેરી દવા પીવડાવી દીધા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ચેતનભાઇ સોની દ્વારા શેરડીના રસમાં ઝેરી દવા ભેળવીને તેમના પત્ની બિંદુબેન સોની પિતા મનોહરલાલ સોની તેમજ પુત્ર આકાશ સોનીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જ્યારે દવાની અસરથી પિતા મનોહરલાલ સોની તેમજ પત્ની બિંદુબેન સોનીનું અવસાન થતાં પોલીસને જાણ કર્યા વિના જ બંનેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા પુત્ર આકાશ સોની ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘરમાં અચાનક બે વ્યક્તિઓના મોત નીપજવા અને પુત્રને સારવાર અર્થે ખસેડતા અસામાન્ય ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી જ્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે ચેતનભાઇને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસ પૂછપરછ બાદ ચેતન સોનીએ પણ ઝેરી દવા ગટગટાવી દેતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ચેતન સોની તેમજ પુત્ર આકાશ સોનીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પોલીસે ચેતનભાઇ સોની વિરોધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ચેતનભાઇએ કયા સંજોગોમાં સમગ્ર પરિવારને ઝેરી દવા પીવડાવી તે હાલ પોલીસ જાણી શકી નથી. પરંતુ પોલીસની જાણ બહાર પોસ્ટ મોર્ટમ કરાવ્યા વિના જ પત્ની અને પિતાનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે. ચેતનભાઇ જે ઘરે ભાડે રહેતા હતા તે ઘરની બહાર ગ્રીલ પર પત્ની અને પિતાની અસ્થિ કળશ લટકાવેલા જોવા મળી રહ્યા છે. જ્યારે પુત્ર આકાશ અને હત્યારા પિતા ચેતન સોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે..