Vadodara

‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ

Published

on

  • હજી સુધી સ્પીડ બ્રેકરને લઇને કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. શું તેઓ રક્ષિતકાંડ જેવી બીજી જાનહાની થવાની રાહ જોઇ રહ્યા છે ? – સ્થાનિક

વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાદ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે રક્ષિતકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા આ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આ વાત કોઇ ધ્યાને લેતું નથી. આ વચ્ચે આજે રક્ષિતકાંડના સ્થળ નજીક બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં વૃદ્ધનું માથું ફૂટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી સ્પીડ બ્રેકર મુકવાની તાતી જરૂરિયાત વધુ એક વખત સામે આવી છે.

કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચાર રસ્તાથી સંગમ સુધીનો રસ્તો મોટો અને પહોળો હોવાથી ઝડપખોરો માટે તે ફેવરીટ છે. અહિંયા અવાર નવાર ઝડપખોરો જોવા મળે છે. આ સમસ્યાથી સ્થાનિકો લાંબા સમયથી ત્રસ્ત છે. તાજેતરમાં રક્ષિતકાંડ સર્જાતા આ રોડ પર ઝડપખોરીનો ભયંકર ત્રાસ સામે આવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા અહિંયા સ્પીડ બ્રેકર મુકવા માટેની માંગ વધુ એક વખત ઉગ્ર સ્વરે મુકવામાં આવી હતી. જો કે, હજી સુધી તંત્ર દ્વારા આ અંગે કોઇ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે એક્ટિવા ચાલક સામસામે ભટકાયા છે. આ ઘટના રક્ષિત કાંડના સ્થળ પાસે આવેલી ચંદ્રાવલી ચાર રસ્તા પાસે સર્જાઇ છે. બંનેને 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તે બાદ વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. 

ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે બે એક્ટિવાનો સામસામે અકસ્માત થયો છે. એકને માથામાં અને અન્યને પગમાં ઇજા થઇ છે. અમે તાજેતરમાં અંબાલાલ ચાર રસ્તા પાસે ભેગા થયા હતા. આ વિસ્તારમાં મંદિર, શાક માર્કેટ, સ્કુલ આવેલી છે. આ ભીડભાડ વાળો વિસ્તાર છે. અંબાલાલ પાર્ક અને ચંદ્રાવલી ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી હતી. પરંતુ શાસકો મસ્ત છે, અને પ્રજા ત્રસ્ત છે. હજી સુધી સ્પીડ બ્રેકરને લઇને કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. શું તેઓ રક્ષિતકાંડ જેવી બીજી જાનહાની થવાની રાહ જોઇ રહ્યા છે ? વહેલી સવારે સિનીયર સિટીઝન રસ્તો ક્રોસ કરતા પણ ડરે તેવી સ્થિતી હોય છે.

Advertisement

Trending

Exit mobile version