વડોદરા: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકે તેવા એક મહત્વના રસ્તાને લઈને મોટો વિવાદ છેડાયો છે. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ એલેમ્બિક સિટીમાંથી પસાર થતા 18 મીટરના રોડની માલિકી અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સમક્ષ સવાલોનો મારો ચલાવ્યો છે.
⚠️શું છે મુખ્ય વિવાદ?
ઇનઓર્બિટ મોલની સામે આવેલી એલેમ્બિક સિટીમાંથી જ્યોતિ કંપની થઈ પંડ્યા બ્રિજ તરફ એક રસ્તો નીકળે છે. ધારાસભ્યનો દાવો છે કે આ જૂનો ‘નળિયા રોડ’ છે જે સરકારી ચોપડે નોંધાયેલો છે. તેમ છતાં, એલેમ્બિક કંપની દ્વારા ત્યાં ગેટ મૂકી દેવામાં આવ્યા છે અને બેરીકેટિંગ કરી દેવાયું છે. ઘણીવાર સિક્યુરિટી ગાર્ડ સામાન્ય નાગરિકોને અહીંથી પસાર થતા અટકાવે છે, જેને લઈને જનતામાં રોષ છે.
🛑FSI અને નિયમોનો ભંગ?
ધારાસભ્ય કેયુર રોકડિયાએ ટેકનિકલ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, એલેમ્બિક કંપનીએ જ્યારે અહીં અંદર કન્સ્ટ્રક્શન માટે FSI (Floor Space Index) મેળવી છે, ત્યારે નિયમ મુજબ તેમણે આ રસ્તો કોર્પોરેશનને સોંપી દેવો પડે અને તેને TP રોડ જાહેર કરવો પડે. જો રસ્તો સોંપ્યો નથી, તો FSI કેવી રીતે મળી? અને જો રસ્તો સરકારી છે, તો કંપની ત્યાં ગેટ કેવી રીતે લગાવી શકે?
🚸ટ્રાફિકમાં મળી શકે મોટી રાહત:
જ્યારે ગેંડા સર્કલ પર ભારે ટ્રાફિક જામ હોય, ત્યારે આ રસ્તો નાગરિકો માટે પંડ્યા બ્રિજ સુધી પહોંચવાનો ટૂંકો અને સરળ માર્ગ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ ખાનગી મિલકત જેવો માહોલ ઉભો કરી સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે.
🧐તંત્રની કાર્યવાહી:
આ ગંભીર રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે ટાઉન પ્લાનિંગ (TP) વિભાગને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ રોડ હકીકતમાં કોની માલિકીનો છે, તેનો રેકોર્ડ શું કહે છે અને નાગરિકોના વપરાશ માટે કોર્પોરેશન શું કાર્યવાહી કરશે, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
🫵વડોદરામાં કિંમતી જમીનો અને સરકારી રસ્તાઓ પર ખાનગી કંપનીઓના કથિત કબજા સામે ધારાસભ્યએ લાલ આંખ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશનનો તપાસ અહેવાલ શું ખુલાસો કરે છે અને શું વડોદરાના નાગરિકોને આ રસ્તો વાપરવા મળશે કે નહીં.