Vadodara

વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ? હોસ્ટેલમાંથી ખાલી બોટલોનો જથ્થો મળતા ખળભળાટ

Published

on

સયાજીગંજ પોલીસનું ‘ઓપરેશન હોસ્ટેલ’: એમ.એમ. હોલમાં ઓચિંતા દરોડા.

  • 25થી 30 દારૂની ખાલી અને વિદેશી દારૂની ભરેલી બોટલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી.
  • સિક્યુરિટીના કડક દાવાઓ વચ્ચે દારૂ કેમ્પસમાં ઘૂસ્યો કેવી રીતે? સુરક્ષા સામે સવાલ.
  • વિદ્યાર્થીનો વિચિત્ર બચાવ: ‘પ્રોજેક્ટ વર્ક માટે લાવ્યો હતો ખાલી બોટલો!’

સંસ્કારી નગરી વડોદરાની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર નકારાત્મક કારણોસર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસે પાડેલા દરોડામાં દારૂ અને નશીલા પદાર્થોનો સામાન મળી આવતા શૈક્ષણિક જગતમાં સોંપો પડી ગયો છે. કેમ્પસની સુરક્ષા અને હોસ્ટેલ પ્રશાસનની કામગીરી પર હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરાની સયાજીગંજ પોલીસને લાંબા સમયથી બાતમી મળી રહી હતી કે એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મોડી રાત સુધી દારૂની મહેફિલો જામી રહી છે. આ બાતમીના આધારે પોલીસે આજે સવારે ‘ઓપરેશન હોસ્ટેલ’ અંતર્ગત એમ.એમ. હોલ (M.M. Hall) માં ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

​તપાસ દરમિયાન પોલીસને હોસ્ટેલના રૂમમાંથી:

  • 25થી 30 જેટલી દારૂની ખાલી બોટલો.
  • 1 ભરેલી વિદેશી દારૂની બોટલ.
  • ​મોટી સંખ્યામાં સિગરેટના ખાલી પેકેટ અને અન્ય કેફી દ્રવ્યોના અવશેષો મળી આવ્યા હતા.

તંત્રની ભૂમિકા અને વિદ્યાર્થીનો જવાબ:

આટલી મોટી માત્રામાં દારૂની બોટલો કેમ્પસમાં કેવી રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. હોસ્ટેલના ચીફ વોર્ડને આ મામલે તપાસ માટે કમિટીની રચના કરી છે. જોકે, જે રૂમમાંથી આ સામાન મળ્યો છે તે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીનો છે. વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તે “પ્રોજેક્ટ વર્ક” માટે આ ખાલી બોટલો લાવ્યો હતો. જોકે, એક ભરેલી બોટલ મળી આવતા વિદ્યાર્થીના આ દાવા સામે અનેક શંકાઓ ઉપજી છે.

થોડા દિવસો પહેલા જ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો, અને હવે વડોદરાની MSU માં આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવતા વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શું યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યુરિટી ગાર્ડ્સ આ બધી હિલચાલથી અજાણ હતા કે પછી તેમની રહેમનજર હેઠળ આ બધું ચાલી રહ્યું હતું? પોલીસ હાલ CCTV ફૂટેજ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને તપાસ આગળ ધપાવી રહી છે.

🫵જ્યારે યુનિવર્સિટી પ્રશાસને આગામી દિવસોમાં હોસ્ટેલમાં ચેકિંગ કડક કરવાના આદેશ આપ્યા છે.

Trending

Exit mobile version