વડોદરા નજીક સેવાસી-અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મહાઉસમાં વર્ષ-2016માં 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ ટ્રાન્સફોર્મર કંપનીના માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નના આગલે દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના માલેતુજારોને દારૂની મોજ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી ઉદ્યોગપતિઓ, પૂર્વ ક્રિકેટરો, વેપારીઓ, વકીલો, ડોક્ટર સહિત કુલ 273 મોટા માથાઓને ઝડપી પાડયા હતાં. જેમાં વડોદરાની જાણીતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં ઝડપાયેલા પુરુષો તેમજ સ્ત્રીઓના બ્લડ ટેસ્ટ લઇ એફએસએલમાં મોકલ્યા હતાં.
જેમાં 97 મહિલા તેમજ 83 પુરુષો મળી કુલ 130 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. જ્યારે 79 પુરુષ, 50 સ્ત્રી મળી કુલ 143 વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓની સામે જિલ્લા એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ કેસમાં પોલીસ અને લોહીમાં દારૂની તપાસ કરનાર એસએસજી હોસ્પિટલના તત્કાલીન ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે યોગ્ય પુરાવાઓ રેકોર્ડ પર રજૂ નહીં થતાં કોર્ટે તમામ 143 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.