સમગ્ર જીલ્લામાં 100 ટકા ઘરોમાં નળથી પાણી મળી જ રહ્યું છે, તો ટેન્કરની જરૂર કેમ પડી ?
પીવાના પાણી સિવાય અન્ય હેતુ માટે ટેન્કરનો ઉપયોગ નથી કરવાનો, તો વાસ્મો દ્વારા આપેલા પ્રમાણપત્રો ખોટા ?
અગાઉ પણ વડોદરા તાલુકાની પંચાયતોને ટ્રેક્ટર ખરીદાવીને અલગથી ડોર ટુ ડોર કચરા કલેક્શનનું ટેન્ડર આપી દેવાયું હતું.
સરકારના પરિપત્રનો પણ અનાદર કરીને કામગીરી કરાઈ?, ટુંક સમયમાં ઘટસ્ફોટ
ત્રણ વર્ષ પહેલા વડોદરા તાલુકા પંચાયત દ્વારા ગામેગામ કચરો કલેક્ટ કરવા માટે કરોડોના ખર્ચે તટ્રેક્ટર આપવામાં આવ્યા હતા. જે ટ્રેક્ટર ખરીદીમાં પણ નીતિ નિયમોને નેવે મુકીને એક ટ્રેક્ટર પર એક લાખ રૂપિયા કરતા પણ વધુ ભાવ ચઢાવીને ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી હતી. તત્કાલીન TDO દેસાઈનું કૌભાંડ બહાર આવતા તેઓ સામે ખાતાકીય તપાસ આપવામાં આવી હતી. જયારે સમગ્ર 5 કરોડના ટ્રેક્ટર ખરીદી કૌભાંડમાં રાજ્ય સરકારે પણ તપાસના આદેશ આપ્યા હતા. 5 કરોડની જંગી રકમની ખરીદી બાદ થોડા જ સમયમાં શહેર નજીક આવતા ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેન્ડર બહાર પાડીને કરોડોનો બીજી ખર્ચ પાડવામાં આવ્યો હતો. જે સમયે ટ્રેક્ટર ખરીદી થઇ હતી તે સમયે કેટલીક ગ્રામ પંચાયતો ટ્રેક્ટરની નિભાવણી, ડ્રાઈવર તેમજ ડીઝલનો ખર્ચ કાઢી શકે તેવી સક્ષમ પણ ન હતી. તેમ છતાંય ટ્રેક્ટર માથે થોપી દેવામાં આવ્યું હતું. વર્ષ 2022માં થયેલા આ ટ્રેક્ટર કૌભાંડની તપાસ આજે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. અને કસુરવારોને બચાવી લેવા અધિકારીઓ જ કામે લાગ્યા છે.
ટ્રેક્ટર ખરીદી કૌભાંડની તપાસનો રીપોર્ટ હજી સરકારમાં મોકલાયો નથી ત્યાંતો હવે તાલુકા પંચાયતમાં ટેન્કરની ખરીદી કરી દેવામાં આવી છે. જે ખરીદી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. નલ સે જલ યોજનામાં ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાની મુહિમમાં સમગ્ર જીલ્લામાં 100 ટકા વ્યવસ્થા થઇ ગઈ હોવાના પ્રમાણપત્રો પણ ગ્રામપંચાયતોને આપી દેવામાં આવ્યા છે. તો ટેન્કરથી પાણી પહોચાડવાની પરિસ્થિતિ કેમ ઉભી થઇ?
ઘરે ઘરે નળથી પાણી આવે જ છે. તો આ ટેન્કરોની જરૂર ક્યાં પડશે ? કે પછી નલ સે જલ યોજના ફક્ત મોટી મોટી વાતો હતી? આજે પણ નળથી ઘરોમાં પાણી પહોચ્યા નથી ? આવા અનેક સવાલો આ ટેન્કર ખરીદીથી સામે આવી રહ્યા છે.મહત્વની વાત એ છે કે, છેલ્લા 10 વર્ષમાં વડોદરા તાલુકામાં જેતે વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોની ગ્રાન્ટ માંથી ટેન્કરોની ફાળવણી ગ્રામ પંચાયતોને અગાઉ કરવામાં આવી જ છે. તો પછી ફરી વાર ખર્ચ કરવાની જરૂર કેમ પડે છે. ?
Advertisement
પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગના વર્ષ 2016ના ઠરાવ પ્રમાણે નિયમોનો છડેચોક ભંગ થયો હોય તેમ લાગે છે.15-09-2016 ના ઠરાવ પ્રમાણે રેતી કંકર તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ માંથી થતા કામોમાં “કોઈ પણ કામ લાઈન ડીપાર્ટમેન્ટ તરફથી આયોજન થતું હોય તેવા કામો લઈ શકાસે નહિ, એટલે કે કામો બેવડાય નહિ તેની તકેદારી રાખવાની રહેશે.” તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સાથે સ્ટેમ્પ ડ્યુટી અને રેતી કંકરની ગ્રાન્ટ માંથી કરવામાં આવેલા વિકાસના કામો અંગે “તકતીમાં કોઈ વ્યક્તિગત નામ જોડવાનું રહેશે નહિ” તેવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. તેમ છતાંય ટેન્કરો પર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સદસ્યોના નામ મોટા અક્ષરે લખીને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવ્યા છે.
તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આવી ઘોર બેદરકારી અહી સામે આવી છે. આ ટેન્કર ખરીદીમાં હજી કેટલાક નિયમોનો ભંગ થયો છે તેનો ઘટસ્ફોટ આગામી સમયમાં કરવામાં આવશે.