- કોઇ વ્યક્તિ અને સેવા આપવા માંગતુ હોય, તો સેવા લઇ શકાય, કોઇ વ્યક્તિ ડોનેશન આપવા માંગતુ હોય તો તેને સ્વિકારવું જોઇએ
- પાલિકાના નિર્ણય સામે લોકલાગણીની જીત થઇ
- સ્મશાનોમાં હવે પહેલાની જેમ સંસ્થાઓ સેવા આપી શકશે
- શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ પ્રેસવાર્તામાં આપી માહિતી
તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા સ્મશાનોનો ઇજારો ખાનગી સંસ્થાઓને સોંપ્યો હતો. તે બાદ ભારે વિરોધ જોવા મળ્યો હતો. સ્મશાનોમાં કરોડો રૂપિયાનો વહીવટ સોંપવાના નિર્ણયને ફેરબદલ કરવા માટે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો હતો. આજે પાલિકાના નિર્ણય પર ઠંડુ પાણી રેડાયું હોય તેમ લાગી રહ્યું છે. આજે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્મશાનોમાં અગાઉની જેમ સંસ્થાઓ સેવા આપી શકશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ, પાલિકાએ ખાનગીકરણ માટે ભરેલા પગલાંમાં પીછેહઠ કરવી પડી છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, કોઇ વ્યક્તિ અથવા સંસ્થા પાલિકા જે કોઇ જનસેવાના કામો કરી રહ્યા છે, તેમાં સહયોગ આપવા માંગતું હોય તો નકારી ના શકે, પાલિકાનું કામ લોકોને સેવા પૂરી પાડવાનું છે. એક જ ઉદ્દેશ્ય હોય તો શા માટે સાથે ના રહી શકે, પાલિકાને જે પહેલાની સ્થિતી હતી, તે સ્થિતીમાં તેનું સંચાલન થાય, તે પ્રકારનો આગ્રહ રહ્યો છે, અને રહેશે. ખાસવાડી, વડીવાડી અને માંજલપુર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું, છાણીમાં સતિષ પટેલના ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવતી હતી, નિઝામપુરાનું સ્મશાન પૂર્વ મેયર ભરતભાઇ શાહ દ્વારા સંચાલિત હતું. જે સેવાઓ તેઓ આપતા હતા, તેઓ આપી શકશે. મેં પણ ટ્રસ્ટ સાથે ચર્ચા વિચારણા કરી છે. પાલિકાનો સહયોગ રહેશે, તેવી વાત થઇ છે. આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલા ચાલતું હતું, તે રીતે ચાલશે, પાલિકાએ લોકો માટે સુવિધા કરવી તે તેનું બંધારણ છે.
કુલ 27 સ્મશાનો પાલિકા સંચાલિત કરતું હતું, 4 સ્મશાનો ટ્રસ્ટો સંચાલિત કરતા હતા, તે ચાલુ રહેશે. કોઇ વ્યક્તિ અને સેવા આપવા માંગતુ હોય, તો સેવા લઇ શકાય, કોઇ વ્યક્તિ ડોનેશન આપવા માંગતુ હોય તો પાલિકાએ તેને સ્વિકારવું જોઇએ, કારણકે આ સેવાનું કામ છે. સંસ્થાઓને ક્યાં નકારવામાં આવી નથી, સંસ્થાને કાઢી મુકી તેવો પ્રયત્ન કર્યો, તે ખોટું છે. સંસ્થાઓ સાથે અમે છીએ, તેઓ પણ આગળ આવવા તૈયાર છે. ભવિષ્યમાં સ્મશાનો સારા બને, સુચારૂ સંચાલન થાય, બેસવા લાયક જગ્યા બને તેવા પ્રયાસો પાલિકા હાથ ધરી રહ્યું છે.
પ્રજાજનોને કોઇ પણ તકલીફ ના પડે તેવી સુવિધાઓ હોવી જોઇએ. જો કોઇ વ્યક્તિ સ્મશાન ચલાવવા આગળ આવે, તો તેમને તક આપવી જોઇએ. લોકશાહીમાં પ્રજા સર્વોપરિ છે. પ્રજાની લાગણી ચૂંટાયેલા પ્રતિનિધીઓ સુધી પહોંચતી હોય છે. અમારા વચ્ચે ચર્ચાઓ થઇ છે. નાગરિકોને ઉત્તમ સેવા મળે તે આપણો આશય છે. યોગેશ પટેલે જણાવ્યું કે, આજની પ્રેસ કોન્ફરન્સમાં જે વાત મુકાઇ છે, હું તેમની વાતને સમર્થન આપું છું, આજે બીજો એક પ્રશ્ન ઉભો થયો છે, જાંબુઆ ટ્રાફીક જામની સમસ્યા આજે સવારે મારા ધ્યાને આવી છે. ત્યાર બાદ પાલિકા અને પોલીસ કમિશનર જોડે મેં વાત કરી છે. તેઓ ખાડા પૂરવા માટે ઝડપી કામગીરી કરી રહ્યા છે.