- રવિવારના દિવસે કામ ચાલુ રહ્યું હતું. આ કામ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. હવે ટુંક સમયમાં કાપડની બેગને મુકી દેવામાં આવશે
- પાલિકાએ સ્વચ્છ વડોદરાના સંકલ્પ સાથે વેન્ડિંગ મશીન મુક્યું
- બે દિવસ બાદ મશીનમાં બેગ રીફીલ નહીં કરાતા નકામું બન્યું
- પાલિકાના કર્મચારીએ દૈનિક ધોરણે રીફીલ કરવાની બાંહેધારી આપી
વડોદરા પાલિકાની વડી કચેરીએ સિંગલ યુઝ પ્લાસ્ટીક થી મુક્તિ મેળવવા માટે કાપડની બેગ કિફાયતી ભાવે મેળવી શકાય તે માટે વેન્ડિંગ મશિન મુકવામાં આવ્યું હતું. આ મશીન આજે સવારે કાપડની બેગના અભાવે નકામું બની ગયું હતું. આજે સવારે લોકો જ્યારે બેગ લેવા માટે વેન્ડિંગ મશીન પાસે આવ્યા ત્યારે તેમાં બેગ નહીં હોવાનું ડિસ્પ્લે પર વાંચવા મળ્યું હતું. પાલિકાએ મોટા ઉપાડે શરૂ કરેલી સેવા બે દિવસ પણ સરખી રીતે ચાલી શકી ન્હતી. જેને પહલે પાલિકાનો ગેરવહીવટ છતો થવા પામ્યો છે.
વડોદરા પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કાપડની બેગનું વેન્ડિંગ મશીન કચેરીએ મુક્યું હતું. આ વેન્ડિંગ મશીન મુક્યાના બે દિવસમાં જ બેકાર બન્યું છે. કારણકે તેમાં બેગ નથી. ગ્રાહકો મશીન પાસે જઇને નિરાશ થઇને પરત ફરી રહ્યા છે. જેને લઇને પાલિકાના ગેરવહીવટનો નમુનો વધુ એક વખત સપાટી પર આવવા પામ્યો છે. હવે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા કયાં પ્રકારના પગલાં લેવાાં આવે છે તે જોવું રહ્યું.
સમગ્ર મામલે વડોદરા પાલિકાના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 15 ઓગસ્ટના દિવસે વડોદરાના પ્રથમ નાગરિક મેયર ના હસ્તે પર્યાવરણને બચાવવા માટે તથા પ્લાસ્ટીક ફ્રી વડોદરા બનાવવા માટે કાપડની બેગનું વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું હતું. રવિવારના દિવસે પણ તેનું કામ ચાલુ રહ્યું હતું. આ કામ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. હવે ટુંક સમયમાં કાપડની બેગને મુકી દેવામાં આવશે. એક વખતે મશીનમાં 50 જેટલી થેલીઓનો સમાવેશ થઇ શકે છે. હવેથી તેને દૈનિક ધોરણે રીફીલ કરવામાં આવશે. થેલીની કિંમત અંદાજીત રૂ. 5-10 સુધીની છે. કોરોના પહેલા સિંગલ યુઝ પ્લાસ્ટીક દુર કરવામાં સારી કામગીરી કરાઇ હતી. પરંતુ કોરાના કાળમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને સમયની જરૂરિયાત પ્રમાણે છુટ આપવમાં આવી હતી. પરંતુ હવે તમામે ભારતને પ્લાસ્ટીક મુક્ત બનાવવાના અભિયાનમાં જોડાવવા અપીલ છે.