જાગૃતિનો સંદેશ:શોકમાં ડૂબેલા પરિવારે અંગદાન માટે અપીલ કરી સમાજમાં જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું.
વડોદરા: વડોદરા શહેરમાં માનવતા અને પરોપકારની એક ભાવનાત્મક ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના બ્રેઈન હેમરેજ બાદ અવસાન થતા, તેમના શોકાતુર પરિવારે દુઃખની ઘડીમાં પણ માનવતાનો અનોખો નિર્ણય લઈ તેમના અંગોનું દાન કર્યું છે.
🧐ઘટનાક્રમ:
રાજેશ ટાવર પાસે વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈને આશરે સાત-આઠ દિવસ અગાઉ એક અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રેઈન હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું. પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, છતાં તેમની પત્ની સ્મિતાબેન મહેતા અને અન્ય સ્વજનોએ હિંમત દાખવીને અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
🚑ગ્રીન કોરિડોર દ્વારા અંગોનું પ્રત્યારોપણ:
ડૉક્ટરો દ્વારા અંગદાનના મહત્વ વિશે માર્ગદર્શન મળતા જ પરિવારજનોએ તરત જ સંમતિ આપી હતી. જીગરભાઈના અંગોને ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની AIIMS અને Apollo હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તબીબી ટીમોની મદદથી આ અંગો હવે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નવું જીવન લઈને આવશે.
🙏પરિવારની અપીલ:
જીગરભાઈના પત્ની સ્મિતાબેન અને પરિવારે સમાજને અપીલ કરી છે કે, “દરેક વ્યક્તિએ અંગદાન માટે આગળ આવવું જોઈએ, જેથી મૃત્યુ પછી પણ કોઈના શરીરમાં આપણા સ્વજન જીવંત રહી શકે.” પરિવારના આ નિર્ણયને લઈને સમગ્ર વડોદરા શહેરમાં અને તબીબી આલમમાં તેમની સરાહના કરવામાં આવી રહી છે.