વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બંધ કંપનીના મોટા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ગોડાઉનનો સ્લેબ પણ બેસી ગયો હતો. જોકે, ફાયર વિભાગની સાત ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ફૂલવાડી ચોકડી નજીક છેલ્લા 25 વર્ષથી બંધ પડેલ અપાર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં બેડ સીટ ફોર્મ મટિરિયલ હતું. જેના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંધ કંપનીમાં લાગેલ વિકરાળ આગમાં બ્લાસ્ટ પણ થયા હતા.જેના કારણે ગોડાઉનનો શેડ તથા દીવાલો ધરાસાઈ થઇ ગઈ હતી.
આ અંગેની જાણ થતા જ વડીવાડી, છાણી ટીપી 13 ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા કામે લાગ્યા હતા. ફાયર ટેન્કર, ફાયર બાહુબલી સહીતની 15 થી વધુ ફાયર ગાડીઓ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર રોબર્ટ ની મદદ થી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે ભારે જહેમત બાદ ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો. જેના બાદમાં આગ ફરીથી ફાટીના નીકળે તે માટે હાલ ફાયર લાશ્કરો દ્ધારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સામે આવી નથી.