- આરોપીઓએ ગુનાખોરી આચરીને જે કોઇ સંપત્તિ વસાવી હશે, તેની પણ માહિતી મેળવવામાં આવશે – લીના પાટીસ, જોઇન્ટ સીપી
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વર્ષનો ચોથો ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો
- ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 1 વોન્ટેડ
- તમામ વિરૂદ્ધ અગાઉ ગંભીર ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે
વડોદરા ની કુખ્યાત ચૂઇ ગેંગ વિરૂદ્ધ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ (GUJCTOC) ગુનો દાખલ કર્યો છે. આ ગેંગના 7 સાગરીતો વિરૂદ્ધ કુલ મળીને 128 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આરોપીઓ પૈકી 6 ને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે એકની ધરપકડ બાકી છે. આ વર્ષનો ગુજસીટોક હેઠળ આ ચોથો ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા આ વિશેષ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે.
વડોદરા શહેર પોલીસના જોઇન્ટ સીપી લીના પાટીલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ ચૂઇ ગેંગના નામે ચાલતી હતી, સુરજ કહાર તેને મુખ્ય સુત્રધાર છે. આ ગેંગ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહી છે. તેને કંટ્રોલમાં કરવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સંગઠિત ગુનાખોરીમાં 7 આરોપીઓ વિરૂદ્ધ 128 ગુનાઓ દાખલ થયા છે. જેમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટીંગ, ધમકી આપવી, અપહરણ અને પ્રોહીબીશનના ગુના નોંધાયેલા છે. આમાં સૂરજ ઉર્ફે ચૂઇ કહાર (રહે. વડોદરા) વિરૂદ્ધ 41 ગુનાઓ, કૃણાલ કહાર 32 ગુનાઓ દાખલ થયા છે. પ્રદિપ ઠક્કર વિરૂદ્ધ 37 ગુનાઓ દાખલ થયા છે. તમામ વિરૂદ્ધ અગાઉ પાસા થયા છે. પોલીસે 7 પૈકી 6 ની ધરપકડ કરી લીધી છે. એક આરોપી વોન્ટેડ છે. વડોદરા પોલીસે અત્યાર સુધીમાં ચોથી વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરજ ઉર્ફે ચૂઇ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરૂણ જયેશ માછી, દિપેશ કહાર, દિપેશ કહાર, પાર્થ બ્રહ્મભટ્ટ, પ્રદિપ ઠક્કર, અને રવિ સુભાષભાઇ માછી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે પૈકી અરૂણ માછીની ધરપકડ કરવાની બાકી છે. આ તમામ પૈકી ચાર વિરૂદ્ધ ખૂન અને ખૂનની કોશિશના ગુના દાખલ થયા છે. તમામ આરોપીઓના વિરૂદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણી, ચેઇન સ્નેચીંગ, ખંડણી, છેડતી અને પ્રોહીબીશનના ગુના દાખલ થયા છે. બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ કહારના વિરૂદ્ધમાં 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ કોઇના પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજસીટોક એક વિશેષ એક્ટ છે. આરોપી સતત ગુનાખોરીમાં પ્રવૃત્ત હોય, તેના વિરૂદ્ધ ચાર્જશીટ થઇ હોય, તમામ આરોપીઓ એકબીજા સાથે સંગઠિત ગુનાઓ આચરતા હોય, તેવા માપદંડના ધ્યાને રાખીને ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. આરોપીઓએ ગુનાખોરી આચરીને જે કોઇ સંપત્તિ વસાવી હશે, તેની પણ માહિતી મેળવવામાં આવશે, અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.