જિલ્લાના પર્યાવરણપ્રેમીઓ અને વન વિભાગના કર્મયોગીઓનું સન્માન કરાયું
યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું
મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને પોતાના ગામની આસપાસના જાહેર માર્ગો પર વૃક્ષો વાવીને માર્ગોને હરિયાળા બનાવવામાં માટે અપીલ કરી.
વડોદરામાં વન વિભાગ દ્વારા ડેસર સ્થિત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ૭૬માં વન મહોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઉદ્યોગ, માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગ, ખાણ અને ખનીજ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આજથી ૭૬ વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. એ પરંપરાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં વેગ મળ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં અનેક સાંસ્કૃતિક વનો પણ નિર્માણ પામ્યા છે જે આધ્યાત્મ, સંસ્કૃતિ અને પર્યાવરણના ઉત્કૃષ્ઠ ઉદાહરણ બન્યા છે.
વધુમાં ઉમેરતાં મંત્રીશ્રી એ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ક્લાયમેટ ચેન્જને નાથવા માટે ‘મિશન લાઇફ’ અને એક પેડ માં કે નામ અભિયાનનું આહવાન કર્યું છે. આ પહેલ માત્ર પોતાની મા માટે વૃક્ષ વાવવાની નથી પરંતુ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને સુંદર વાતાવરણ આપવાની પણ છે.
તેમણે પ્રેરક સૂચન કરતા વધુમાં ઉમેર્યું કે, મંત્રીએ હાજર નાગરિકો અને વિદ્યાર્થીઓને પોતાના ગામની આસપાસના જાહેર માર્ગો પર વૃક્ષો વાવીને માર્ગોને હરિયાળા બનાવવામાં માટે અપીલ કરી હતી.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સંબોધીને કહ્યું કે, યુનિવર્સિટીના કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવે, યુનિવર્સિટીની દરેક વ્યક્તિ એક વૃક્ષ દત્તક લે અને યુનિવર્સિટીમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાના ક્ષેત્રમાં આગળ વધે તે સાથે પર્યાવરણ સંવર્ધનમાં પણ પોતાનું યોગદાન આપે તે બાબત પર ભાર આપે તે જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદારે પણ પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે વૃક્ષારોપણને માત્ર એક દિવસની પ્રવૃત્તિ ન રાખીને સતત સંભાળ અને જતન સાથે જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં વન વિભાગના લાભાર્થી, સખી મંડળો અને અન્ય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વૃક્ષપ્રેમીઓ, સામાજિક વનીકરણ, નર્સરી સંચાલકો, વન્યજીવોની બચાવ કામગીરી, ગાર્ડનિંગ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને નાગરિકોને પ્રશસ્તિ પત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉપસ્થિત તેમના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા, વડોદરા જિલ્લાના સાંસદ શ્રી ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર, ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા, જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હીરપરા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી મનીષ રાવલ, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.