Vadodara

ખુલ્લા બોરવેલમાં પડી જતા 3 વર્ષીય માસુમ બાળકીનું મોત, ફાયરબ્રિગેડ દ્વરા સતત 20 મિનીટ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

Published

on

વડોદરા શહેરના છાણી વિસ્તારમાંયોગીનગર ટાઉનશીપ પાસેની ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલના ખાડામાં નાની બાળકી પડી ગઈ હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. જ્યાં બોરવેલમાં 10 ફૂટ નીચે ઉતરી ગયેલી બાળકીને બચાવવા માટે લગભગ 20 મિનીટ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ બેભાન અવસ્થામાં બાળકીને બહાર કાઢી લેવામાં આવી હતી. જે બાદ 108 મારફતે સારવાર અર્થે ખસેડતા હાજર તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરી પાસે યોગીનગર ટાઉનશીપ આવેલી છે. જે ટાઉનશીપ નજીક એક ખુલ્લી જગ્યામાં શ્રમજીવીઓ કાચા બાંધકામમાં વસવાટ કરતા હતા. જ્યાં તાજેતરમાં કરવામાં આવેલા બોરવેલનો ખાડો ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. આજે 11 વાગ્યાના સુમારે એક 3 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલના ખાડામાં સરકી પડી હતી. બાળકીના પરિવારજનોને તેની જાણ થતા બચાવો બચાવોની બુમરાડ મચાવી મૂકી હતી. જે બાદ મદદ માટે દોડી આવેલા અન્ય લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આ સાથે છાણી પોલીસ મથકનો સ્ટાફ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોચી ગઈ હતી.

ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રસ્સાની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યાં 20 મિનીટ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી. બાળકીનો શ્વાસ રૂંધાયો હોય તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

3 વર્ષની બાળકીએ જીવ ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. જયારે ખુલ્લા બોરવેલને કારણે વધુ એક માસુમનો જીવ જતા સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બોરવેલ ખુલ્લો રાખવાની ગંભીર બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે છાણી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version