વડોદરાના ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નંદેસરી જીઆઇડીસીમાં આવેલી ઓરિએન્ટલ કંપની દ્વારા 27 જેટલા કર્મચારીઓને કોઈપણ પૂર્વ સૂચના વગર છૂટા કરી દેવાતા શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આજે મોટી સંખ્યામાં કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી જીઆઇડીસી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ પ્રદૂષણનો નહીં પણ શ્રમિકોના હકનો છે.
અચાનક છટણી: ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે 27 કર્મચારીઓને કોઈ પણ કારણ આપ્યા વિના નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.
ન્યાયની પોકાર: આ અન્યાય સામે સામાજિક કાર્યકર લખન દરબાર મેદાને આવ્યા છે. તેમની આગેવાનીમાં આજે પીડિત કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા.
સૂત્રોચ્ચારથી ગુંજી કચેરી: કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કર્મચારીઓએ કંપની તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
🙏 લખન દરબાર (સામાજિક કાર્યકર)
“કંપની દ્વારા મનસ્વી રીતે ગરીબ શ્રમિકોને છૂટા કરી દેવાયા છે. અમે કલેક્ટર શ્રીને આવેદન આપી રજૂઆત કરી છે કે આ કર્મચારીઓનો શું વાંક? જો તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે.”
🧐હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પ્રશાસન આ બાબતે કંપની સામે શું પગલાં લે છે અને આ 27 પરિવારોને તેમનો રોજગાર પાછો મળે છે કે કેમ.