વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સૂબા ઇલાઈટ હોટલમાં આજે સવારે એક કર્મચારી હોટલ ઉપરથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે આત્મહત્યા કરી હોવાનું તારણ સામે આવ્યું છે. જોકે પરિવારજનોએ આત્મહત્યાને નકારી કાઢીને હોટલ સંચાલકોની બેદરકારી ના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
શહેરના નવાપુરામાં રહેતો અને સૂબા ઇલાઈટ હોટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો 21 વર્ષીય મોહમ્મદ શાહિદ મલેક આજે સવારે નોકરી પર હતો તે સમયે અચાનક હોટલ પરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મૃત્યુ પામેલા શાહિદનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેના પરિવારજનો ઉમટી આવ્યા હતા.
મૃતક શાહિદની બહેને આક્ષેપ કર્યો હતો કે મારા ભાઈના અપમૃત્યુને આપઘાતમાં ખપાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શાહિદ પાસે આપઘાતનું કોઈ કારણ નથી.પરિવારનું કોઈ દેવું નથી. બે બહેનો અને માતા સાથે રહેતો શાહિદ હંમેશા ખુશ રહેતો હતો. પણ હોટલમાં કોઈ પણ સેફટીના સાધનો વિના શાહિદ પાસે કામ કરાવવામાં આવતું હતું.અને એના કારણે જ અકસ્માત સર્જાતા શાહિદનું મોત નીપજ્યું છે.
ભાઈના મૃત્યુનું ખોટું કારણ ઉપજાવી કાઢીને આપઘાતમાં ખપાવી દેવામાં આવી રહી છે. હોટલની કામગીરીની તપાસ કરીને બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરીને મારા ભાઈના મૃત્યુના કસુરવારો ને સજા મળવી જોઈએ તેમ શાહીદની બહેને જણાવ્યું હતું.