શહેરનું પ્રથમ સાર્વાજનિક ગણેશ મંડળ, જુમ્માદાદા વ્યાયામ મંદિર વર્ષ 125 માં વર્ષમાં પ્રવેશ્યું છે. વિતેલા સવા સો વર્ષથી અહિંયા ગણેશોત્સવ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. લોકમાન્ય તિલક અને સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી જુમ્માદાદા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રથા આજે સવા સો વર્ષ બાદ પણ અકબંધ છે. આજે આ ઐતિહાસિક ગણેશજીના સ્થાપનાના કાર્યક્રમમાં શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી જોડાયા હતા. અને તેમણે ભવ્ય ઇતિહાસની વિગતવાર માહિતી આપી હતી.
જુમ્માદાદા વ્યાયામ શાળાના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, અમે વિવિધ કલ્ચરલ કાર્યક્રમો કરીએ છીએ. 1901 માં જુમ્માદાદા ઇન્ચાર્જ હતા. તેઓ મુસ્લિમ હતા, છતાં તેમણે લોકોને અને રાષ્ટ્રને જોડવાની ભાવનાથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. તેનું વિસ્તરીકરણ આખા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું હતું. તેની માટે લોકમાન્ય તિલક પોતે અહિંયા આવ્યા હતા. તેઓ સયાજીરાવ અને જુમ્માદાદાને મળ્યા હતા, વાત કરી હતી. તે દિવસથી વિવિધ કાર્યક્રમો ચાલુ થયા છે, જે અમે આજે પણ ચાલુ રાખ્યો છે. અમારી સંસ્થા પહેલા શિર્કેના વાડામાં ચાલતી હતી. ત્યાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી 1920 થી એક જ જગ્યાએ થઇ રહ્યું છે. આ સાર્વાજનિક ગણેશોત્સવનું 125 મું વર્ષ ચાલી રહ્યું છે.
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે બરોડા સ્ટેટ કહેવાતું હતું ત્યારે 1901 થી ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. જુમ્માદાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાલ ગંગાધર તિલક અને મહારાજા સયાજીરાવના સહયોગથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 1901 બાદ આજે 125 માં વર્ષે ઐતિહાસિક ગણેશોત્સવનો ભાગ બનવા માટે, મને આમંત્રણ મળ્યું હતું.
આજે ગણેશ સ્થાપનાના પુજનમાં ભાગ લઇને તમામને મળ્યો અને ગણેશજીની આરાધની કરી છે. વડાપ્રધાન મોદી વિકાસ અને વિરાસતની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાનનું બરોડા સ્ટેટથી લઇને આજના વડોદરામાં ખુબ મહત્વ રહ્યું છે.