- ભાજપની આંતરિક ભાંજગઢમાં રોટલા શેકવાનો નવો પેંતરો?
- અલ્પેશ લીમ્બાચીયાને પૂર્વ મેયર કેયુર રોકડિયા સાથે જોડવાનો પ્રયાસ!
- હજી મૂળ ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી
(ન્યુઝ ડેસ્ક) પાલિકાના મેયર નીલેશ રાઠોડ સામે વાયરલ કરવામાં આવેલી પત્રિકામાં પાલિકા ના જ પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયાની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી .જોકે અલ્પેશ લીમ્બાચીયા ને કોણે પીઠબળ પૂરું પાડ્યું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. જયારે આજે મહેન્દ્રસિંહ રાઠોડ અને અન્ય ચાર જેટલા વ્યક્તિઓ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને પૂર્વ મેયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.
વિધાનસભાની ચુંટણી સમયે સાવલી બેઠક પર ક્ષત્રીયાવાદ મુદ્દાને લઈને વિવાદમાં આવેલા મહેન્દ્રસિંહ રાઠોડ આજે તેઓના ચાર સમર્થકો સાથે પોલીસ ભવન ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ક્ષત્રિય સમાજના મેયર નીલેશ રાઠોડ માટે સંવેદના વ્યક્ત કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો. જેમાં અલ્પેશ લીમ્બાચીયાને કોને પીઠબળ પૂરું પાડ્યું તે અંગે પણ તેઓએ આક્ષેપો કર્યા છે.
મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, અલ્પેશ લીમ્બાચીયા ભૂતકાળમાં પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયાના વહીવટદાર હતા. અને તેઓના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચારનું ઠીકરું નીલેશ રાઠોડના માથે ફોડવામાં આવી રહ્યું છે. પત્રિકા કાંડમાં પણ કેયર રોકડિયાએ પીઠબળ પૂરું પાડ્યું હોવાની પુરેપુરી શક્યતાઓ છે. અને તે દિશામાં તપાસ થાય તો અન્ય અનેક મોટા નામો સામે આવી શકે છે. મહેન્દ્રસિંહ રાઠોડે ત્યાં સુધી કહી દીધું કે કેયર રોકડિયા પહેલે થી જ ક્ષત્રિય વિરોધી પ્રવૃત્તિ કરવા માટે પંખાયેલા છે. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો હતો કે મેયર નીલેશ રાઠોડ સામે થયેલા કાવતરામાં કેયુર રોકડિયાની તપાસ થાય તો અનેક માથાઓના નામો સામે આવે તેમ છે.
જોકે તોએ સાથે આવેલા એક સમાજિક કાર્યકર્તાએ ભાવી સાંસદ માટે ડો. વિજય શાહના નામની મહોર લગાવતાની સાથે જ આખો મામલો સાફ થઇ ગયો છે. શું ખરેખર આ રજૂઆત સાચા ગુન્હેગારોને શોધવા માટે હતી? કે પછી તપાસને અવળા માર્ગે લઇ જવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની જ્યાં વાત થતી હોય તો હજી વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સહીત અન્ય કેટલાક ક્ષત્રિય સંગઠનો દ્વારા આ મામલે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ આવેદનપત્રનો સાચો આશય જાણવો હોય તો મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયના સીસીટીવી તપાસવા જોઈએ. કોના ઈશારે ક્યાં તીર છોડવામાં આવી રહ્યું છે તેની માહિતી ખુલ્લી પડી શકે છે!