સંસદના સત્રમાં આજે ભારે ધાંધલ-ધમાલ અને હોબાળા વચ્ચે એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ બિલ પસાર કરવામાં આવ્યું છે. મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ એટલે કે ‘VB-G RAM G’ બિલ લોકસભામાં મંજૂર થયું છે. જોકે, MGNREGA માંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના મુદ્દે વિપક્ષે સરકાર પર બાપુના અપમાનનો ગંભીર આક્ષેપ લગાવી ગૃહ ગજવ્યું હતું.
લોકસભામાં આજે રોજગાર ગેરંટી યોજનાનું નવું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું. સરકારના મતે આ ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફનું એક મહત્વનું કદમ છે, પરંતુ વિપક્ષ માટે આ પૂજ્ય બાપુના નામ પર થયેલો પ્રહાર છે.
કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો છે કે સરકાર MGNREGA નું નામ બદલીને મહાત્મા ગાંધીનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતે સંસદના મકર દ્વાર પર ધરણાંમાં ભાગ લીધો હતો, જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ આને ગ્રામીણ ભારતના ‘કામના અધિકાર’ પર હુમલો ગણાવ્યો છે. ગૃહમાં સ્થિતિ એટલી તંગ બની હતી કે કેટલાક સાંસદોએ બિલની નકલો પણ ફાડી નાખી હતી.
શું છે નવું બિલ?
- નામ: VB-G RAM G (વીબી-જી રામ જી)
- પૂરું નામ: વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025.
- હેતુ: ગ્રામીણ રોજગાર માળખાને નવું અને મજબૂત સ્વરૂપ આપવું.
વિપક્ષના હુમલાનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, “મૂળ યોજનામાં ગાંધીજીનું નામ 2009માં માત્ર રાજકીય ફાયદા માટે ઉમેરાયું હતું.” તેમણે પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા માત્ર નેહરુ-ગાંધી પરિવારના નામે જ યોજનાઓ ચલાવી છે અને તેની લાંબી યાદી ગૃહ સમક્ષ રજૂ કરી હતી.
એક તરફ સરકાર આ બિલને રોજગારી ક્ષેત્રે ‘ગેમ ચેન્જર’ ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેને ગ્રામીણ જનતાના અધિકારો છીનવવાનું કાવતરું કહી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ‘જી રામ જી’ નામ સાથેની આ નવી યોજના જમીની સ્તરે ગ્રામીણ ભારતનું ચિત્ર કેટલું બદલે છે.