મુંબઈ:મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષોની દુશ્મની અને રાજકીય મતભેદોને બાજુ પર મૂકીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આગામી BMC અને અન્ય 29 નગર નિગમની ચૂંટણીઓ માટે હાથ મિલાવી લીધા છે. મહારાષ્ટ્રની તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વ હેઠળની ‘મહાયુતિ’ ના વિજય બાદ, વિપક્ષી છાવણીમાં આ ગઠબંધનથી નવો પ્રાણ ફૂંકાયો છે.
સંયુક્ત જાહેરાત: બંને ભાઈઓએ મુંબઈમાં એક ભવ્ય પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ગઠબંધન પર મહોર મારી છે.
એકતાનું પ્રતિક: પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે બંને ભાઈઓ સાથે દેખાયા ત્યારે પરિજનોએ તેમની આરતી ઉતારી વધામણાં કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બેઠકોની વહેંચણી: સૂત્રોના જણાવ્યા મુજબ, શિવસેના (UBT) અને મનસે વચ્ચે મુંબઈની 227 બેઠકો માટે સમજૂતી થઈ છે, જેમાં મરાઠી વોટબેંકને સાચવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોણે શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરે: “અમારા વિચારો અને સંઘર્ષના મૂળ એક જ છે. મરાઠી માણસના હિત માટે અમે બંને ભાઈઓ આજે ફરી એકજૂટ થયા છીએ.”
સંજય રાઉત: “આ મહારાષ્ટ્ર માટે મોટો દિવસ છે. બાલાસાહેબનો સંપૂર્ણ પરિવાર અને તેમની વિચારધારા હવે એક મંચ પર છે. હવે BMC માં મેયર તો અમારો જ હશે.”
પ્રિયંકા ચતુર્વેદી: “મહાયુતિ સરકારે જનતાને છેતરી છે, હવે પરિવર્તન નક્કી છે.”
➡️ નવા સમીકરણો અને પડકારો
આ ગઠબંધનથી મહા વિકાસ આઘાડી (MVA) માં નવા સમીકરણો રચાયા છે. કોંગ્રેસે આ ગઠબંધનથી અંતર જાળવી રાખીને ‘એકલા ચલો’ ની નીતિ અપનાવી છે, જ્યારે શરદ પવારની NCP હજુ આ બાબતે મધ્યસ્થી કરી રહી હોય તેવું જણાય છે.