રાજધાનીમાં આજે કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) થઈ શકે છે.આ વરસાદ કુદરતી નહીં પરંતુ ટેકનોલોજીની મદદથી કરાવવામાં આવશે.
- વિમાન કાનપુરથી આવ્યું: ક્લાઉડ સીડિંગ માટેનું ખાસ વિમાન મંગળવારે સવારે કાનપુરથી દિલ્હી આવી ગયું છે.
- મુખ્ય હેતુ દિલ્હીનું વાયુ પ્રદૂષણ ઓછું કરવાનો, ટૂંક સમયમાં કૃત્રિમ વરસાદ થવાની શક્યતા છે.
- જ્યારે વરસાદ આખા શહેરમાં નહીં, પરંતુ માત્ર ચોક્કસ વિસ્તારમાં જ થશે.
દિલ્હી સરકારે સંકેત આપ્યો હતો કે જો હવામાન સાનુકૂળ રહેશે, તો 28 અને 29 ઓક્ટોબરે કૃત્રિમ વરસાદ કરાવી શકાય છે.દિલ્હીમાં ગમે તે સમયે વરસાદ થવાની સંભાવના છે, જોકે તે માત્ર એક ખાસ વિસ્તાર પૂરતો જ મર્યાદિત રહેશે. મહત્ત્વની વાત એ છે કે આ વરસાદ કુદરતી નહીં, પણ માનવસર્જિત હશે. દિલ્હીમાં કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) કરાવવા માટેનું વિમાન મંગળવારે સવારે કાનપુરથી ઉડાન ભરી ચૂક્યું છે. ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું હોવાથી, દિલ્હીમાં ટૂંક સમયમાં કૃત્રિમ વરસાદ થવાની શક્યતા છે.
કાનપુરમાં સવારે વિઝિબિલિટી (2000 મીટર) ઓછી હોવાથી પ્લેનના ટેક-ઓફમાં વિલંબ થયો હતો, કેમ કે ઉડાન માટે 5000 મીટર વિઝિબિલિટી જરૂરી હતી. હવામાન સાફ થતાં જ પ્લેન દિલ્હી તરફ રવાના થયું. દિલ્હીમાં AQI સ્તર સુધારવા માટે બુરાડી વિસ્તાર ઉપર કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી છે. સરકારે ગયા અઠવાડિયે બુરાડી ઉપર કરેલી પરીક્ષણ ઉડાન દરમિયાન વિમાનમાંથી સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ છોડાયા હતા. જોકે, કૃત્રિમ વરસાદ માટે જરૂરી 50%ની સામે વાતાવરણમાં ભેજનું સ્તર 20% થી ઓછું હોવાથી તે સમયે વરસાદ કરાવી શકાયો ન હતો.
કાનપુરથી ઊડેલા પ્લેને મેરઠ એરફિલ્ડ ઉપરાંત દિલ્હી-NCRના ખેકરા, બુરાડી, નોર્થ કરોલ બાગ, મયૂર વિહાર, સાદકપુર, ભોજપુરમાં કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગ કર્યું. વરસાદ માટે 2 થી 3 કલાક રાહ જોવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું તો સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વરસાદ આવશે. જોકે, આ અંગે સસ્પેન્સ યથાવત છે. આજે દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું એટલે કે લગભગ 15થી 20% જ છે, જે કૃત્રિમ વરસાદ માટે પૂરતું માનવામાં આવતું નથી.
દિલ્હી સરકારે સંકેત આપ્યો હતો કે જો હવામાન સાનુકૂળ રહેશે, તો 28 અને 29 ઓક્ટોબરે કૃત્રિમ વરસાદ કરાવી શકાય છે. ગૂંગળાવતા પ્રદૂષણથી રાહત આપવા માટે આર્ટીફિશિયલ રેન માટેનું સેસના પ્લેન કાનપુરથી દિલ્હી માટે ઊડાન ભરી ચૂક્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાદળો છવાયેલા હોવાથી, જો ભેજ 50%ની નજીક રહ્યો તો કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે, અન્યથા પ્લેન મેરઠમાં લેન્ડ કરશે.
જ્યારે વાદળોની ઘનતા ઓછી હોવાથી તેમાં ભેજ હોતો નથી, ત્યારે તે તરતા રહે છે, પણ વરસાદ થતો નથી. આવી સ્થિતિમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરાવવો એ જ કૃત્રિમ વરસાદ અથવા ક્લાઉડ સીડિંગ છે. એટલે કે, કુદરતી વરસાદની જેમ કૃત્રિમ વરસાદ માટે પણ વાદળોનું હોવું જરૂરી છે.
ક્લાઉડ સીડિંગનો ખર્ચ જગ્યા, પદ્ધતિ અને કદ પર નિર્ભર કરે છે. નાના પ્રોજેક્ટમાં લગભગ ₹12.5 લાખથી ₹41 લાખ અને મોટા પ્રોજેક્ટમાં વાર્ષિક ₹8-12 કરોડ જેટલો ખર્ચ આવે છે.
દિલ્હીમાં 2025ના ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ માટે કુલ ₹3.21 કરોડ મંજૂર થયા છે, જે 5 ટ્રાયલ્સ માટે છે. દરેક ટ્રાયલનો ખર્ચ ₹55 લાખથી ₹1.5 કરોડ છે, ઉપરાંત પ્રારંભિક સેટઅપ પર વધુ ₹66 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5-6 દિવસની રાહત માટે પ્રતિ કિલોમીટર ₹1 લાખ ખર્ચ થાય છે.
ડોક્ટર વિન્સેન શેફર્ડે નામના વૈજ્ઞાનિકે 13 નવેમ્બર, 1946ના રોજ પહેલીવાર આ ટેક્નોલોજી અજમાવી હતી. ત્યારે વિમાનમાંથી વાદળો પર કાચી બરફ ફેંકવામાં આવી હતી, જેનાથી વરસાદ પડવા લાગ્યો. ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ વાદળો પર રસાયણનો છંટકાવ કરીને ક્લાઉડ સીડિંગની રીત શોધી કાઢી. સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવ્યો.
ક્લાઉડ સીડિંગ દ્વારા ક્યાંય પણ વરસાદ કરાવી શકાય છે, પરંતુ તેના માટે વાદળોનું હોવું જરૂરી છે. જો હવામાં વોટર ડ્રોપલેટ એટલે કે વાદળો જ નહીં હોય, તો વરસાદ થઈ શકે નહીં. આ ટેક્નોલોજી માત્ર વાદળોનું કન્ડેન્સેશન (ઘનીકરણ) વધારીને વરસાદ કરાવે છે, વાદળો બનાવી શકતી નથી.
સૌથી સામાન્ય કેમિકલ સિલ્વર આયોડાઇડ (AgI) છે, જે બરફના ક્રિસ્ટલ બનાવે છે. અન્ય કેમિકલમાં પોટેશિયમ આયોડાઇડ, ડ્રાય આઇસ (ઘન કાર્બન ડાયોક્સાઇડ) અને લિક્વિડ પ્રોપેનનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે, પરંતુ વધુ માત્રામાં ઉપયોગમાં લેવાથી ઝેરી હોઈ શકે છે. આ કેમિકલને વિમાનથી છાંટવામાં આવે છે અને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે.
ભારતમાં ક્લાઉડ સીડિંગ માટે મુખ્યત્વે મીઠું (સોડિયમ ક્લોરાઇડ), સિલ્વર આયોડાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો ઉપયોગ થાય છે. CAIPEEX પ્રોજેક્ટમાં હાઇગ્રોસ્કોપિક ફ્લેર (જે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ધરાવે છે)નો ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હીમાં, વિમાન દ્વારા મીઠું અથવા સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવવાની યોજના છે.
ભારતમાં પણ ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ ઘણા સમય પહેલા આવ્યો હતો. દેશમાં 1983 અને 1987માં તેનો પ્રથમ ઉપયોગ થયો હતો. તમિલનાડુમાં 1993-94માં આવું કરાયું હતું. દુષ્કાળનું સંકટ દૂર કરવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ક્લાઉડ સીડિંગ થઈ ચૂક્યું છે.