International

ટ્રમ્પ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ: વૈશ્વિક વેપાર પર આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક, તમામ દેશો પર હવે 15% ટેરિફ ઝીંકાયો!

Published

on

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડને લઈને એક મોટો ધડાકો કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રોષે ભરાયેલા ટ્રમ્પે માત્ર 24 કલાકમાં જ પોતાનો નિર્ણય બદલીને વિશ્વના તમામ દેશો પરનો ટેરિફ 10% થી વધારીને 15% કરી દીધો છે. આ નિર્ણયને પગલે સમગ્ર વિશ્વના બજારોમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પના આ ‘તઘલખી’ ગણાતા નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટ સાથેનો તેમનો ટકરાવ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.

📍મુખ્ય અહેવાલ:

  • સુપ્રીમ કોર્ટનો ઝટકો અને ટ્રમ્પનો વળતો પ્રહાર: 20 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યો હતો. આ ચુકાદાથી ભડકી ઉઠેલા ટ્રમ્પે જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, “મને જજો પર શરમ આવે છે, તેઓ વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગયા છે.”
  • 24 કલાકમાં ટેરિફમાં 5%નો વધારો: શુક્રવારે ટ્રમ્પે તમામ દેશો પર 10% ટેરિફની વાત કરી હતી, પરંતુ કોર્ટના અવરોધ બાદ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે હવે અમેરિકા 15% ટેરિફ વસૂલશે. ટ્રમ્પનો દાવો છે કે દુનિયાના દેશો દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને હવે તે સહન કરવામાં આવશે નહીં.
  • સેક્શન-301નો હથિયાર તરીકે ઉપયોગ: ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રહિતમાં ‘સેક્શન-301’ હેઠળ ટેરિફ લાગુ કરવા માટે સક્ષમ છે અને કોર્ટ તેમને અટકાવી શકશે નહીં. તેમણે કડક લહેજામાં કહ્યું કે, “વિદેશી દેશો જે અત્યારે ખુશ થઈ રહ્યા છે, તેઓ લાંબો સમય ખુશ નહીં રહી શકે.”

🇮🇳ભારત સરકારનું વલણ:

આ વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે ભારત સરકાર પણ સતર્ક થઈ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે:

“અમે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા અને પ્રમુખ ટ્રમ્પની જાહેરાત પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ. આ ઘટનાક્રમની ભારત પર શું અસર પડશે તેનું ઊંડું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.”

🧐નિષ્ણાંતોનો મત:

આર્થિક નિષ્ણાંતો માની રહ્યા છે કે જો અમેરિકા 15% ટેરિફ લાગુ કરશે, તો વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થશે અને ટ્રેડ-વોર (Trade War) જેવી સ્થિતિ સર્જાશે. ટ્રમ્પ પ્રશાસન આગામી સમયમાં વધુ નવા ‘લીગલ ટેરિફ’ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે.

🫵ડોનાલ્ડ ટ્રમ્પની આ આક્રમક નીતિ હવે અમેરિકાની આંતરિક કોર્ટ અને વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે કયું નવું વળાંક લાવે છે, તેના પર આખા વિશ્વની મીટ મંડાયેલી છે.

Trending

Exit mobile version