રશિયાના સુદૂર પૂર્વમાં આવેલો કમચાત્કા દ્વીપકલ્પ હાલમાં કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાનો સૌથી ભયાનક ગણાતો આ શિયાળો સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં લગભગ 13 ફૂટ (4 મીટર) જેટલો બરફ જમા થઈ જતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
ભારે હિમવર્ષા અને માઈનસ 21 ડિગ્રી સુધી ગગડેલા તાપમાન વચ્ચે અનેક દુર્ઘટનાઓ સામે આવી છે.
જીવલેણ અકસ્માત: રાજધાની પેટ્રોપાવલોવસ્ક-કમચાત્કામાં ઈમારતોની છત પરથી બરફના તોતિંગ થર નીચે પડવાને કારણે બે લોકોના મોત નિપજ્યા છે.
મેયરનો આક્રોશ: શહેરના મેયર બેલ્યાયેવે પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીઓની બેદરકારી સામે લાલ આંખ કરી છે. તેમણે કહ્યું કે ચેતવણી હોવા છતાં કંપનીઓએ છત પરથી બરફ હટાવ્યો ન હતો, જે આ જાનહાનિનું મુખ્ય કારણ બન્યું છે. શહેરમાં હાલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને દુનિયા સ્તબ્ધ છે:
ચોથા માળ સુધી બરફ: મકાનો અને એપાર્ટમેન્ટ્સ ચોથા માળ સુધી બરફમાં ગરકાવ થઈ ગયા છે. લોકોએ ઘરની બહાર નીકળવા માટે બરફમાં ટનલ બનાવવી પડી રહી છે.
અદ્રશ્ય વાહનો: રસ્તાઓ પર પાર્ક કરેલી કારો સંપૂર્ણપણે બરફ નીચે દટાઈ ગઈ છે, માત્ર બરફના ટેકરા જ નજરે પડે છે.
સફેદ સમુદ્ર: આખું શહેર જાણે સફેદ સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવા ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. બચાવ કામગીરી અને જનજીવન રશિયાના ઈમરજન્સી મંત્રાલયના જવાનો યુદ્ધના ધોરણે બચાવ કાર્ય કરી રહ્યા છે.
વૃદ્ધોની વ્હારે: બચાવકર્મીઓ બરફના પહાડો કાપીને ઘરમાં ફસાયેલા વૃદ્ધો સુધી ખોરાક અને દવા પહોંચાડી રહ્યા છે.
સંપૂર્ણ બંધ: શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. જાહેર પરિવહન સેવાઓ ઠપ્પ થતા લોકો ઘરોમાં કેદ થયા છે.
👉વહીવટીતંત્રના મતે ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે હજુ પણ હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે.