વિનાશક ભૂકંપ:7.5ની તીવ્રતાના ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની USGSની આશંકા.
ભૌગોલિક અસર:1,700 કિમી દૂર સુધી આંચકા અનુભવાયા, ઓઈલ રિફાઈનરી વિસ્તારમાં કેન્દ્રબિંદુ.
નેટવર્ક ઠપ:સંપર્ક સાધવાના તમામ માધ્યમો ખોરવાઈ જતાં બચાવ કામગીરીમાં મુશ્કેલી.
રાજકીય ટીકા: આપત્તિ સમયે યોગ્ય સંબોધન ન કરવા બદલ કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વિરુદ્ધ જન આક્રોશ.
કરાકસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ની ચેતવણી મુજબ, આ કુદરતી આફતમાં મૃત્યુઆંક 10,000ને પાર કરી શકે છે. રાજધાની કરાકસ સહિતના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે લાખો લોકો રસ્તા પર આવી ગયા છે.
USGSના જણાવ્યા અનુસાર, ઉત્તરી દરિયાકાંઠાના વિસ્તારમાં માત્ર 40 સેકન્ડના અંતરે બે મોટા આંચકા અનુભવાયા હતા. પ્રથમ 7.1ની તીવ્રતાનો ‘ફોરશૉક’ અને ત્યારબાદ 7.5ની તીવ્રતાનો મુખ્ય ભૂકંપ ત્રાટક્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીઓ ધરાવતા મૌન્ટાલ્બાન વિસ્તારથી 28 કિમી દૂર હતું. આ આંચકા એટલા પ્રચંડ હતા કે 1,700 કિમી દૂર બ્રાઝિલના એમેઝોન વિસ્તાર સુધી લોકોએ તેને અનુભવ્યા હતા.
ભૂકંપ બાદના દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક છે. આકાશમાં ધૂળના કાળાડિબાંગ ગુબાર છવાયેલા છે અને કાટમાળ નીચે અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. વેનેઝુએલાના ઘણા ભાગોમાં સેલફોન નેટવર્ક અને સિગ્નલ ખોરવાઈ જતા લોકો પોતાના સ્વજનોથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાદોએ ‘X’ પર દેશવાસીઓને એકતા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે શરૂઆતમાં જારી કરેલું સુનામીનું એલર્ટ હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે, જે એક મોટી રાહતના સમાચાર છે. મેક્સિકોએ વેનેઝુએલા પ્રત્યે એકજૂથતા દર્શાવી છે. જોકે, આ આપત્તિ સમયે દેશના વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ દ્વારા કોઈ સત્તાવાર સંબોધન ન થતાં સ્થાનિક જનતા અને રાજકારણીઓમાં સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.