તેહરાન / વોશિંગ્ટન: ઈરાનમાં આર્થિક તંગી અને બેરોજગારી સામે શરૂ થયેલો વિરોધ હવે ભયાનક ‘બળવા’માં ફેરવાઈ ગયો છે. ઈરાનના તમામ 31 પ્રાંતોમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી આવી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસક આયાતુલ્લાહ ખામૈનીને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપતા વિશ્વભરમાં તણાવ વધી ગયો છે.
સીધી ચેતવણી: જો ઈરાન સરકાર પોતાના જ નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરશે અથવા તેમની હત્યા કરશે, તો અમેરિકા મૂકપ્રેક્ષક બનીને બેસી રહેશે નહીં.
ટાર્ગેટ એટેક: ટ્રમ્પે ધમકી આપી છે કે જો હિંસા ન રોકાઈ તો અમેરિકા ઈરાનના સંવેદનશીલ આર્થિક અને સામરિક સ્થળો પર ‘સખત પ્રહાર’ કરશે.
જનતાનું સમર્થન: ટ્રમ્પના મતે, ઈરાનના લોકોએ એવા શહેરો પર કબજો કર્યો છે જેની શાસકોએ કલ્પના પણ કરી ન હતી.
🇮🇷 તેહરાનની 🏥 હોસ્પિટલોમાં લાશોના ઢગલા
એક ઈરાની ડોક્ટરે નામ ગુપ્ત રાખવાની શરતે ટાઈમ મેગેઝિન પાસે સનસનીખેજ દાવો કર્યો છે:
મૃત્યુઆંક: માત્ર તેહરાનની 6 હોસ્પિટલોમાં જ 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે.
ક્રૂરતા: સુરક્ષાદળો દ્વારા પોલીસ સ્ટેશનોની બહાર મશીનગનથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
યુવાનો નિશાન પર: જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે, જેઓ ‘આઝાદી’ અને ‘તાનાશાહ મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા હતા.
ઈરાની નેતૃત્વનું વલણ: ‘ઝૂકશું નહીં’ એક તરફ લોહી વહી રહ્યું છે, તો બીજી તરફ ઈરાની શાસન વધુ કડક બન્યું છે:
આયાતુલ્લાહ ખામૈની: “ઈસ્લામિક રિપબ્લિક તોફાનીઓ સામે નહીં ઝૂકે.”
ફાંસીની ધમકી: તેહરાનના સરકારી વકીલે ચેતવણી આપી છે કે પ્રદર્શનકારીઓને મોતની સજા પણ થઈ શકે છે.
IRGCની ક્રૂર ધમકી: રિવોલ્યુશનરી ગાર્ડ્સે માતા-પિતાને કહ્યું છે કે જો બાળકો પ્રદર્શનમાં જશે અને ગોળી વાગશે, તો જવાબદારી તમારી રહેશે.
🫵સ્થિતિ ગંભીર: આંકડાઓમાં અસમંજસ
ઈરાન સરકારે મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સાચો મૃત્યુઆંક જાણવો મુશ્કેલ છે. હ્યુમન રાઈટ્સ એજન્સી 63 મોતની પુષ્ટિ કરી રહી છે, જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ આ આંકડો સેંકડોમાં હોઈ શકે છે. તેહરાનની અલ-રસૂલ મસ્જિદમાં પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી હોવાના અહેવાલ છે.