Gujarat

સુરત બેંક લૂંટ અપડેટ: વરાછા SBI માંથી ૫૨ લાખ લૂંટનાર બે શખ્સો યુપીથી ઝડપાયા; ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

Published

on

  • યુપીમાં દબોચ્યા: વરાછાની SBI બેંકમાં પિસ્તોલ બતાવી લૂંટ ચલાવનાર શુભમ ઠાકુર અને વિકાસ સિંઘની ઉત્તર પ્રદેશથી ધરપકડ.
  • ફિલ્મી ઢબે લૂંટ: 27 એપ્રિલે ભરબપોરે સ્ટાફને બાનમાં લઈ કેશિયર અને કેશ વાનમાંથી કુલ ૫૨ લાખની મત્તા સેરવી હતી.
  • ટ્રાન્ઝિટ રિમાન્ડ: આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરી સુરત લાવવાની તજવીજ; લૂંટાયેલી રકમ રિકવર કરવા પોલીસની કવાયત.
  • મોટા ઘટસ્ફોટની શક્યતા: પકડાયેલા શખ્સો પાસેથી આંતરરાજ્ય ગેંગ અને અન્ય સાગરીતોની વિગતો બહાર આવવાની આશંકા.

સુરત: ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં થયેલી ૫૨ લાખ રૂપિયાની લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ (DCB) ને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સચોટ ઉપયોગ દ્વારા પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા પટ્ટામાંથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

🧐ઘટનાનો ક્રમ:

ગત 27 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં, જ્યારે મેટ્રો કામગીરીને કારણે રસ્તો વ્યસ્ત હતો, ત્યારે પાંચ હથિયારધારી યુવાનો બેંકમાં ત્રાટક્યા હતા. હિન્દીભાષી આ લૂંટારુઓએ પિસ્તોલ બતાવી મહિલા સ્ટાફ સહિત ગ્રાહકોને એક ખૂણામાં બાનમાં લીધા હતા. લૂંટારુઓએ પહેલા કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લૂંટ્યા અને બરાબર એ જ સમયે કેશ ડિપોઝીટ વાન આવતા, તેમાંથી પણ 40 લાખ રૂપિયા ભરેલું બોક્સ આંચકી લીધું હતું. કુલ ૫૨ લાખ રૂપિયા બેગમાં ભરી અને સ્ટાફના મોબાઈલ ફોન છીનવી તેઓ ફરાર થઈ ગયા હતા.

🤨વાહનોની શોધખોળ અને ડુપ્લિકેટ દસ્તાવેજ:

તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારુઓએ બેંક સુધી પહોંચવા અને લૂંટ બાદ ભાગવા માટે ત્રણ વાહનોનો ઉપયોગ કર્યો હતો. જે પૈકીનું એક અપાચે બાઈક આરોપીઓએ ડુપ્લિકેટ આધારકાર્ડ રજૂ કરીને ખરીદ્યું હતું. આરોપીઓએ પોતાની સાચી ઓળખ છુપાવવા માટે અગાઉથી જ બનાવટી આઈડી પ્રૂફ તૈયાર કરી રાખ્યા હતા, જેથી ગાડીના નંબર કે માલિકના આધારે પોલીસ તેમના સુધી પહોંચી ન શકે.

🚈મેટ્રોના કામનો લીધો લાભ:

લૂંટના દિવસે મેટ્રોનું કામ ચાલતું હોવાથી રોડ પર અવરોધો હતા, જેનો ફાયદો ઉઠાવી આ લૂંટારુઓ પોતાની ગાડીઓ સુરક્ષિત અંતરે પાર્ક કરી બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટ બાદ સ્ટાફના મોબાઈલ ફોન પણ સાથે લઈ ગયા હતા જેથી તુરંત પોલીસને જાણ ન થાય. જોકે, ટેકનિકલ સર્વેલન્સમાં આ ગાડીઓ કેમેરામાં કેદ થઈ જતાં પોલીસને કડી મળી હતી.

👮પોલીસની કામગીરી:

સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો રાજ્ય બહાર રવાના થઈ હતી. પકડાયેલા આરોપીઓ શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘને આજે ગોંડા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સુરત લાવી લૂંટાયેલા નાણાં ક્યાં છુપાવ્યા છે અને આ ગુનામાં અન્ય કોની સંડોવણી છે તેની કડક પૂછપરછ કરવામાં આવશે.

🚨સુરત પોલીસે ગણતરીના દિવસોમાં જ છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચીને આરોપીઓને ઝડપી પાડી પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. હવે જોવાનું એ રહેશે કે લૂંટાયેલી પૂરેપૂરી રકમ ક્યારે રિકવર થાય છે.

Trending

Exit mobile version