કોસીન્દ્રા (છોટાઉદેપુર): ગુજરાતમાં ખેડૂત માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતી. ખાતર હોય કે બિયારણ, ખેડૂતને હંમેશા કતારમાં જ રહેવું પડે છે. છોટાઉદેપુરના કોસીન્દ્રા કપાસ ખરીદ કેન્દ્ર પર આજે કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં કપાસ વેચવા માટે ખેડૂતોની કલાકો લાંબી લાઇનો લાગી છે.
🧐 મુખ્ય સમસ્યાઓ:
સીસીઆઈ (CCI) સેન્ટરનો અભાવ: આસપાસના બે તાલુકાઓમાં CCI નું કપાસ ખરીદ કેન્દ્ર મંજૂર ન કરાતા, બંને તાલુકાના ખેડૂતોએ કપાસ વેચવા માટે ફરજિયાત કોસીન્દ્રા આવવું પડે છે.
કલાકો સુધી રાહ: સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઊભેલા ખેડૂતોનો નંબર બપોર સુધી પણ આવતો નથી. એક અંદાજ મુજબ 100 થી વધુ ગાડીઓ રસ્તા પર લાંબી કતારોમાં ઉભી છે.
સુવિધાઓનો અભાવ: હાડ થીજવતી ઠંડીમાં આખો દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતો માટે પીવાના પાણી કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
🛑 ખેડૂતોનો આક્રોશ:
જયેન્દ્રભાઈ રાજપૂત ખેડૂત
સ્થાનિક ખેડૂતોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, “અમને કપાસ વેચવા માટે તારીખ આપવામાં આવી છે, છતાં અહીં આવ્યા પછી 4 થી 5 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. ખેતી કામ છોડીને અહીં આખો દિવસ બગાડવો પડે છે, છતાં વ્યવસ્થાના નામે મીંડું છે.”
🫵 તંત્ર સામે સવાલ:
ખેડૂતોની માંગ છે કે જો આસપાસના તાલુકાઓમાં પણ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે તો કોસીન્દ્રા પરનું ભારણ ઘટે અને ખેડૂતોનો કિંમતી સમય બચે. હાલ તો ખેડૂત પોતાના પસીનાની કમાણી વેચવા માટે પણ લાચાર બનીને લાઈનમાં ઉભો છે.