ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે.
- આમ તો સમગ્ર ગુજરાતમાં ગઈકાલે જોરદાર બેટિંગ કારી હતી.
- બનાસકાંઠા અને કચ્છ માં પણ આભફાટયું.
- જેના લીધે તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓબંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 12 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય બનાસકાંઠા કલેક્ટર દ્વારા લેવાયો છે. આ સાથે ખેડા જિલ્લામાં પણ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુઈગામમાં આભ ફાટી પડતાં 16.14 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. બીજી બાજુ બનાસકાંઠાના જ ભાભરમાં 12.91 અને થરાદમાં 12.48, તથા વાવ વિસ્તારમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે દિયોદરમાં 6.69 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઈંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.