Gujarat

ગુજરાત : અમરેલી-મહુવા વરસાદી ઝોનમાં: રાયડી ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ચિંતા

Published

on

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો.
  • જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.
  • ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.
  • પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

હાલ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સહિતના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો. વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો.

જ્યારે આરાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

રાજ્યના અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.

મધ્યમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી અને ભુરાવાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

Trending

Exit mobile version