રાજ્યમાં પ્રેક્ટિસ કરતા એલોપેથીક તબીબો માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મહત્વની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ફક્ત MBBS ની ડીગ્રી ધરાવતા તબીબો પોતાને MD તરીકે ઓળખ આપીને કરવામાં આવી રહેલી પ્રેક્ટિસ સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવી પ્રેક્ટિસ કરતા તબીબોના લાયન્સ રદ્દ કરવા સુધીની જોગવાઈ જાહેર થયેલી નોટિસમાં કરવામાં આવી છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 21 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ભારત દેશની બહાર MBBS પાસ પાસ થઈને આવેલા ફોરેન મેડિકલ ગ્રેજયુએટસ ભારત દેશની MBBS લાયકાતને સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા છતાંય MD ફિઝિશિયન અથવા ડોકટર ઓફ મેડિસિન લાયકાતનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરીને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેઓ ફક્ત MBBS લખીને જ પ્રેકિટસ કરી શકે છે . જો નોટિસ આપ્યા બાદ પણ તબીબો પોતાની પ્રેકિટસ MD તરીકે ચાલુ રાખશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
આ સાથે એલોપેથીક તબીબોએ પ્રિસ્ક્રિપ્શન,લેટરહેડ રબર સ્ટેમ્પ,ફી પહોંચ સહિત તમામ દસ્તાવેજો પર ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલો લાયસન્સ નંબર ફરજીયાત પણે લખવાનો રહેશે. અને જો તબીબ દ્વારા લાયસન્સ નંબર લખવામાં નહીં આવે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ એલોપેથીક ડોકટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેકટીસ કરવા સારું ગુજરાત મેડીકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજીયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેકટીસ કરવા માટે ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજીયાત છે અન્યથા તેમના વિરુધ્ધ નેશનલ મેડીકલ કમીશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડીકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેકટીસ કરતા કેટલાક સ્પેશ્યાલીસ્ટ/ સુપર-સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ગુજરાત મેડીકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશ્યાલીટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યાલીટી ડીગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેકટીસ કરતા ડોકટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલીટી કે સુપર સ્પેશ્યાલીટી ડીગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેમના વિરુધ્ધ નેશનલ મેડીકલ કમીશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.