ચૌદશની રાતથી પૂનમ સુધી હજારો લોકોએ પવિત્ર સ્નાન કરીને તર્પણ કર્યું
નદીકાંઠે મોટી સંખ્યામાં બ્રાહ્મણો તર્પણ વિધિ કરાવતાં બિરાજમાન.
બનાસકાંઠા, પાટણ, રાધનપુર, સમી, હારીજ, મહેસાણા સહિત ગુજરાતભરથી યાત્રિકો ઉમટ્યા
સિદ્ધપુરના કાત્યોક મેળામાં આજે ભભૂકતી ભીડ જોવા મળી રહી છે. કાર્તિક પૂર્ણિમાની પવિત્ર તિથિએ ત્રિવેણી સંગમ કિનારે તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો છે. ચૌદશની રાતથી લઈ પૂનમની સવાર સુધી હજારો લોકો પવિત્ર સ્નાન કરી પોતાના પિતૃઓને તર્પણ અર્પણ કરી રહ્યા છે. નદીકાંઠે તર્પણ કરાવવા મોટી સંખ્યામાં બ્રાહ્મણો બિરાજમાન છે, જ્યારે મુંડન માટે ઉત્તર ગુજરાતના નાઈ ભાઈઓ ખાસ સિદ્ધપુર પહોંચ્યા છે.
આજે કાત્યોક મેળાનો ત્રીજો દિવસ છે અને દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમાના અવસર પર બિંદુ સરોવરથી લઈને સરસ્વતી નદીના પટ સુધીનોવિસ્તાર માનવ મહેરામણથી છલકાય છે. તર્પણ બાદ શ્રદ્ધાળુઓ દીવડા વહાવીને કૂવારિકા સરસ્વતીમાં વિધિ પૂર્ણ કરી રહ્યા છે. શહેરની તમામ બસ રૂટમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
કાર્તિકી પૂનમને પિતૃ તર્પણ માટે વિશેષ મહત્વ ધરાવતું મનાય છે. આ પાવન દિવસે બનાસકાંઠા, પાટણ, રાધનપુર, સમી, હારીજ, મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો સિદ્ધપુર આવી રહ્યા છે. આ વર્ષે ચેકડેમમાં પાણી હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
આ સાથે જ સરસ્વતી નદીકાંઠે આવેલ અતિ પ્રાચિન “મોક્ષ પીપળા”ની પ્રદક્ષિણા કરવા પણ ભક્તો ઉમટી રહ્યા છે. માન્યતા છે કે આ પ્રદક્ષિણા કરતા સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. વૈકુંઠ ચૌદશ અને પૂર્ણિમાની મધ્યરાત્રે અહીં ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોય તેવા પૌરાણિક વિશ્વાસને આધારે હજારો લોકો ઋણમુક્તિની ભાવનાથી તર્પણ વિધિ કરી રહ્યા છે અને ત્યારબાદ મેળાની રંગતનો આનંદ માણી રહ્યા છે.