મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની માલિકીની અજંતા પ્રાઇવેટ લિમિટેડના કડાણા ડેમ નજીક આવેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ યુવકોના કરુણ મોત થયા હોવા છતાં જવાબદાર વ્યક્તિઓ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનામાં તંત્રની બેદરકારી અને ગુનાહિત માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
કેમ આવા ટાઇમે જવાબદારો ગાયબ?
જયારે આ ઘટના બની ત્યારે અજંતા પ્રાઇવેટ લિમિટેડના હાઇડ્રો પાવર પ્લાન્ટના સુપરવાઇઝર પણ ગાયબ થઈ ગયા હતા. ગુનાહિત બેદરકારીથી મોત થયા હોવા છતાં જવાબદાર વ્યક્તિઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જવાબદાર વ્યક્તિઓનું આ બેજવાબદાર વલણ અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શિક્ષણ મંત્રી દ્વારા આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, પરંતુ પોલીસ દ્વારા માત્ર ફરિયાદ નોંધીને જ સંતોષ માનવામાં આવ્યો છે. આજદિન સુધી પ્લાન્ટના જવાબદાર વ્યક્તિઓ પોલીસના સકંજાથી દૂર છે. આ સમગ્ર ઘટનામાં મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની માલિકીની કંપની સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.
જાણીએ મામલો હતો શું,મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ચોથી સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.’
જ્યારે કડાણા ડેમમાંથી પાણી છોડવાની સૂચના હતી, તેમ છતાં કડ઼ાણા ડેમના વીજ પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓએ આ સૂચનાને અવગણી અને 200 ફૂટ નીચે કામ કરી રહેલા 15થી વધુ કર્મચારીઓને બહાર નીકાળ્યા ન હતા. આ બેદરકારીને કારણે પાંચ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.