રાજકોટ મહાનગરપાલિકા આજે એક ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ડિમોલિશન ઓપરેશન હાથ ધરી રહી છે. દાયકાઓથી આજી નદીના પટમાં અને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે તંત્રએ કમર કસી છે. વહેલી સવારના ૮ વાગ્યાથી જંગલેશ્વર વિસ્તારમાં જેસીબી અને હિટાચીના ગડગડાટ શરૂ થઈ ગયા છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે માહોલ ગમગીન અને તણાવપૂર્ણ છે. મનપા દ્વારા ૧૪૮૯ જેટલા ગેરકાયદે મકાન-દુકાનો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન એટલું વિશાળ છે કે ૧૧૩૦થી વધુ કર્મચારીઓ ખાસ એપ્રન અને હેલમેટ સાથે સજ્જ થઈને મેદાનમાં ઉતર્યા છે.
✍️આંકડાકીય વિગત: આ ઓપરેશન દ્વારા આજી નદી પટની ૫૫,૦૦૦ ચો.મી. અને ટી.પી. રોડની ૩૨,૦૦૦ ચો.મી. મળી કુલ ૮૭,૦૦૦ ચોરસ મીટર કિંમતી જમીન ખુલ્લી કરાવવામાં આવશે.
કલમ-૧૬૩: ૨૬મી ફેબ્રુઆરી સુધી શહેરમાં ૪થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ.
નો ફ્લાય ઝોન: ૨૫મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ.
પોલીસ છાવણી: ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની ટુકડીઓ તહેનાત.
👉માનવીય સંવેદના અને આક્રોશ
એક તરફ તંત્રની કાર્યવાહી છે, તો બીજી તરફ દાયકાઓ જૂના આશિયાના છીનવાઈ જવાનો ગમ છે. જંગલેશ્વરની સાંકડી ગલીઓમાં અનેક પરિવારો ચોધાર આંસુએ રડી રહ્યા છે. મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. જોકે, ૨૨૫ જેટલા પરિવારોએ રવિવાર સાંજ સુધીમાં સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી દીધા હતા.
🧐તંત્રનો પક્ષ:
મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આ અસરગ્રસ્તોને અગાઉ વૈકલ્પિક આવાસ આપી દેવામાં આવ્યા છે, જેના વીડિયો પુરાવા પણ જારી કરાયા છે. આથી, હવે કોઈ નવી જગ્યા ફાળવવામાં આવશે નહીં. સાંકડી શેરીઓ અને ચોમાસામાં પૂરના જોખમને કારણે આ ડિમોલિશન અનિવાર્ય હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.
DCP હેતલ પટેલ:
“જંગલેશ્વરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. લોકોએ સ્વયંભૂ મકાનો ખાલી કર્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. નાગરિકોને વિનંતી છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપે.”
🫵આ ઓપરેશન આગામી ત્રણ દિવસ સુધી ચાલવાની શક્યતા છે. રાજકોટના ઈતિહાસમાં આટલું મોટું દબાણ હટાવવાનું અભિયાન અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.