મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂત હિતલક્ષી નિર્ણયવાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતી પાકોમાં વ્યાપક નુકશાન.
- SDRF ધોરણ અનુસાર 33% થી વધુ નુકશાન ધરાવતાં ખેડૂતો માટે સહાય
- બિનપિયત પાક માટે રૂ. 12,000 હજાર પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ22,000 અને બહુવર્ષાયુ પાક માટે રૂ. 27,500 સહાય.
- હવે પિયત અને બિનપિયત બંને પાક માટે સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટર સુધી
ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લાના ખેતી પાકોને થયેલા નુકશાનને પહોંચી વળવા હવે પિયત અને બિનપિયત બંને પાક માટે સમાન સહાય ચૂકવાશે.
ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદથી આ પાંચ જિલ્લાઓમાં ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. આ માટે અગાઉ રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત થઈ હતી. જેના અંતર્ગત SDRFના નિયમો પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન ધરાવતા ખેડૂતોને સહાય આપવાનું નક્કી થયું હતું.પહેલા બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. 22,000 અને બહુવર્ષાયુ પાક માટે રૂ. 27,500 સહાય નક્કી કરવામાં આવી હતી.
હવે નવી વ્યવસ્થામાં પિયત અને બિનપિયત બંને પાક માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000 સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની રજૂઆત બાદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશેષરૂપે, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં રવિ ઋતુમાં ખેતી શક્ય ન હોય એવા વિસ્તારોના ખેડૂતોને રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં પ્રતિ હેક્ટર રૂ. 20,000 સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવા પણ મંજૂરી આપી છે.આ કૃષિ રાહત પેકેજ માટેનું ઓનલાઈન પોર્ટલ આજથી, 11 નવેમ્બરથી ખુલ્લું મુકાયું છે. ખેડૂતો પોતાના ગામના VCE અથવા VLE મારફતે આગામી 15 દિવસ સુધી સહાય માટે અરજી કરી શકશે.