કોઈ પણ કાર્યક્રમમાં પ્રમુખને મુખ્ય જવાબદારી અપાય છે, ત્યાર બાદ મહામંત્રીઓને જવાબદારી મળતી હોય છે.
જીલ્લા ભાજપે મહિલા મોરચાના મહામંત્રીને મુખ્ય જવાબદારી આપી અને મહિલા મોરચા પ્રમુખને તેઓની નીચે જવાબદારી આપી!
આવી નવી કાર્યપદ્ધતિથી પ્રદેશ ભાજપા અને રાષ્ટ્રીય ભાજપે પણ પ્રેરણા લેવાની જરૂર છે.
(મૌલિક પટેલ-એડિટર) ભારતીય જનતા પાર્ટી નિયમિત પ્રશિક્ષણ વર્ગો કરતી હોય છે. જેમાં રાષ્ટ્રીય સ્તરથી બુથ સ્તર સુધીના કાર્યકરોને વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ વિષયોમાં એક વિષય “ભાજપાની કાર્યપદ્ધતિ” પણ હોય છે. કાર્યપદ્ધતિ સમજીને પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કરનારને પક્ષ કોઈ મહત્વની જવાબદારી આપે છે. ત્યારે જીલ્લા ભાજપના ઉચ્ચ પ્રશિક્ષિત સુકાનીઓ દ્વારા જીલ્લામાં એક નવા પ્રકારની કાર્યપદ્ધતિ પ્રસ્થાપિત કરતા કાર્યકર્તાઓ હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને યાદ કરતા થઇ ગયા છે.
સામાન્ય રીતે પક્ષના હોદ્દાઓમાં સર્વોપરી હોદ્દો પ્રમુખ/ અધ્યક્ષનો હોય છે. તે બાદ મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો, મંત્રીઓ અને ત્યાર બાદ અન્ય હોદ્દાઓ પર સ્થાન મળે છે. આ પિરામીડ વ્યવસ્થામાં પ્રમુખનો હોદ્દો કોઈ ભલામણથી નહિ પણ લાયકાતના આધારે મળે છે. અને ત્યાર પછી મહામંત્રીઓને તેમની કાર્યક્ષમતાને આધારે હોદ્દાઓ મળતા હોય છે. ભાજપ વિશ્વની એક માત્ર એવી પાર્ટી છે. કે ત્યાં આવી વ્યવસ્થા કેટલાય દાયકાઓથી ખુબ મજબૂતીથી અનુસરવામાં આવે છે. જેના કારણે પક્ષમાં તમામ લાયકાત ધરાવતા કાર્યકરોને પોતાની ક્ષમતા પ્રમાણે કામગીરી અને હોદ્દાઓ મળતા રહે છે.
તાજેતરમાં વડોદરા જીલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” શીર્ષક હેઠળ કાર્યકરો યોજાવા જઈ રહ્યા છે. જેમાં 5 જુનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે વૃક્ષારોપણથી શરુ થઈને વિશ્વ યોગ દિવસના આ કાર્યક્રમોની શૃંખલામાં જીલ્લા કક્ષાએ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે. જેમાં જીલ્લા કક્ષાએ ઇન્ચાર્જ તરીકે મહામંત્રી બ્રિજેશ પટેલ સહીત ત્રણ સહ ઇન્ચાર્જ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે 11 જેટલા કાર્યક્રમોના એક એક ઇન્ચાર્જ પણ નીમવામાં આવ્યા છે.
આ 11 કાર્યક્રમોમાં વિશ્વ યોગ દિવસના ઇન્ચાર્જ તરીકે જીલ્લા મહિલા મોરચા પ્રમુખ હીનાબેન મોઢને જવાબદારી મળી છે. જોકે હવે હીનાબેન મોઢે પોતાની કામગીરીનું રીપોર્ટીંગ જીલ્લા કક્ષાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જને કરવું પડશે. જયારે જીલ્લા ભાજપે જીલ્લા કક્ષાના સહ ઇન્ચાર્જની જવાબદારી મહિલા મોરચાના મહામંત્રી મધુબેન સોલંકીને આપી છે .એટલે શું હવે મહિલા મોરચાના પ્રમુખ પોતાને સોપેલી કામગીરીનું રીપોર્ટીંગ મહિલા મોરચા મહામંત્રીને કરશે?
મહિલા મોરચા મહામંત્રી મધુબેન સોલંકીને મળેલા અચાનક પ્રમોશનની જીલ્લામાં મીઠી ચર્ચા શરુ થઇ છે. મોરચાના પ્રમુખ તરીકે જે જવાબદારી હીનાબેન મોઢને મળવી જોઈએ, તે જવાબદારી મોરચાના મહામંત્રીને મળે છે. અને મહામંત્રીને મળે તેનાથી વાંધો ન હોય!, પણ જ્યારે કોઈ એક વ્યક્તિને બઢતી આપવા માટે મહિલા મોરચા પ્રમુખના હોદ્દાને નાનોકકરવામાં આવે તે કાર્યકરોને આખે ઉડીને વળગ્યો છે. આ નિયુક્તિ પ્રમાણે તો જાણે હીનાબેન મોઢ મોટી જવાબદારી માટે તૈયાર કે સક્ષમ ન હોય અને મહામંત્રી તેમના કરતા વધુ જવાબદારી મેળવવાના હક્કદાર હોય તેવો ઘાટ સર્જાયો છે. હોદ્દાને ડાઉનગ્રેડ કરવાની આ નવી કાર્યપદ્ધતિની ચર્ચાએ જીલ્લામાં જોર પકડ્યું છે.