(મૌલિક પટેલ-એડિટર) વડોદરા શહેરથી બિલકુલ નજીકના ભાગે કોટના ગામના મહીસાગર નદીના કિનારાને બીચ તરીકે ઓળખવામાં આવે છે. અહી મહીસાગર નદીનું સ્થિર પાણી અને રેતાળ કિનારાને કારણે પર્યટકો માટે એક રમણીય સ્થળ બની ગયું છે. જોકે આ પ્રાકૃતિક સુંદરતાને ખનીજ વિભાગની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં આ બીચ નજીકના કેટલાક સર્વે નંબર પર રેતી ખનન માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લોક ફાળવણી હાથ ધરવામાં આવી છે. જયારે ગ્રામ પંચાયતને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ પ્રક્રિયાની જાણ લોકસુનવણી નું કાગળ મળતા થઇ હતી. જેને લઈને ગ્રામજનોમાં વિરોધ વ્યાપ્યો છે. મહત્વનું છે કે, આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગત વર્ષે જ જીલ્લા આયોજન વિભાગે 2.70 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. ત્યારે બીજી તરફ રેતી ખનન ના મોટા મશીનો અને ડમ્પરની અવરજવર શરુ કરીને વિસ્તારની સુંદરતાને ખરાબ કરવાની તૈયારીઓ સામે હવે આંદોલન થાય તેમ લાગી રહ્યું છે.
કોટના બીચ પર દર વર્ષે હજારો પર્યટકો ફરવા માટે આવે છે. અહિયાં કિનારા પર ફૂડ સ્ટોલ અને વોટર સ્પોર્ટ્સથી ગ્રામજનો રોજગારી મેળવે છે. વર્ષોથી ગ્રામજનોના હિતમાં ચાલતી આ વ્યવસ્થાને વધુ સુધ્રળ બનાવવા માટે ગત 25 મે 2025એ જીલ્લા પ્રવાસન સમિતિ અને જીલ્લા આયોજન એકમ દ્વારા 2 કરોડ અને 70 લાખની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોટના બીચ પર પર્યટકો માટેની બેઠક વ્યવસ્થા,ફૂડ કોર્ટ, રીફ્રેશમેન્ટ એરિયા, વોટર સપોર્ટ, ટીકીટ વિન્ડો, ચેન્જીંગ રૂમ, શૌચાલય જેવી સુવિધાઓ ઉભી કરવાની આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને મંજુરી મળી હોવાનો પત્ર જીલ્લા આયોજન એકમ દ્વારા વિસ્તારના ધારાસભ્યને લખવામાં આવ્યો હતો.
આશરે પોણા ત્રણ કરોડના ખર્ચથી કોટના બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત બાદ અહિયાં લીઝ બ્લોકની ફાળવણી થતા વિરોધ વંટોળ શરુ થયો છે. એક બાજુ સરકારી વિભાગ અહી પર્યટન સ્થળ વિકસાવે છે. બીજી બાજુ સરકારનું ખાણ ખનીજ વિભાગ અહિયાં લીઝ બ્લોક ફાળવીને રેતી ખનન માટે મંજુરી પણ આપી દે છે. જે બંને વિરોધાભાસી નિર્ણયોથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પર્યટકો જે માર્ગથી મહીસાગર કાંઠે સુંદરતાનો લાહવો લેવા માટે આવશે તે જ માર્ગ પર રેતી ખનન બાદ ભારદારી વાહનોનું પરિવહન પણ થશે. જેનાથી પર્યટકોના જીવ પણ જોખમાશે. બીજી તરફ રેતી ખનનથી થતા ઘોંઘાટ અને નદીની પ્રાકૃતિક સુંદરતાને ભારે નુકશાન થશે.
આવી સ્થિતિમાં સરકારી તંત્ર એકબીજાના આયોજનોમાં સંકલન કરતા નહિ હોય? તેવો સવાલ પણ ઉભો થયો છે. જો રેતી ખનનથી આવક ઉભી કરવી હોય તો પર્યટન સ્થળ વિકસાવવાના નામે 2.70 કરોડનો ખર્ચ શા માટે? અને પર્યટન સ્થળ બનાવવું જ હોય તો રેતી ખનનની પરવાનગી કેમ ? આવા સવાલો ગ્રામજનોમાં ઉભા થયા છે. આજે લીઝ ફાળવણી મુદ્દે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલી લોક સુનાવણી કોઈ કારણોસર મુલત્વી કરવામાં આવી છે. જયારે આગામી સમયમાં જયારે પણ લોકસુનવણી યોજાશે ત્યારે ગ્રામજનો તંત્ર પાસે આ નિષ્કાળજીનો જવાબ માંગશે તે નક્કી છે.