- ભાજપમાં ભડકો: કવાંટમાં પક્ષ કરતાં પોતાની નેતાગીરી મોટી કરવાના કાવાદાવામાં ભાજપે વર્ષો જૂનો ગઢ ગુમાવ્યો.
- જૂથબંધીનો ફાયદો ‘આપ’ને: છોટાઉદેપુરમાં ભાજપના આંતરિક સમરાંગણ વચ્ચે આમ આદમી પાર્ટીનો શક્તિશાળી ઉદય.
- ટાંટિયાખેંચની પરાકાષ્ઠા: પક્ષના ઉમેદવારને જીતાડવાને બદલે હરાવવામાં નેતાઓને વધુ રસ; જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો ગુમાવી.
- વફાદારીની કસોટી: સંગઠનમાં પક્ષને બદલે વ્યક્તિગત વફાદારોને સ્થાન મળતા કાર્યકરોમાં ભારે અસંતોષ; ‘ગૃહયુદ્ધ’ની અસર પરિણામોમાં દેખાઈ.
છોટાઉદેપુર: વડોદરા જીલ્લામાં જે રીતે ભાજપના સારા પરિણામો આવ્યા છે તેની સામે છોટાઉદેપુર જીલ્લામાં આમ આદમી પાર્ટીનો ઉદય થવા પામ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુરમાં પોતાનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જયારે આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓએ આંતિરક જૂથબંધી અને ટાંટિયા ખેંચ પ્રક્રિયાને કારણે સીધે સીધી જીત આમઆદમી પાર્ટીને આપી દીધી છે.
છોટાઉદેપુર જીલ્લામાં કવાંટ તાલુકો વર્ષોથી ભાજપનો ગઢ કહેવતો હતો. કવાંટ તાલુકામાં ભૂતકાળમાં ભાજપના જુના નેતાઓએ જંગી બહુમતી પણ મેળવી હતી. જોકે ધીમે ધીમે સત્તા પર ટકી રહેવાની આંતરિક લડાઈઓ ભાજપના સંગઠનને અંદરથી જ ખોતરી રહ્યું હોય તેવી સ્થિતિ બની છે.
કવાંટનું રાજકારણ મૂળ કવાંટ ગામથી શરુ થાય છે. અને તેની અસર સમગ્ર તાલુકામાં જોવા મળે છે. સ્થાનિક નેતાઓએ કવાંટને ભાજપનો ગઢ બનાવી રાખવાના બદલે પોતાનો વ્યક્તિગત ગઢ બનાવવાની લડાઈમાં આંતરિક ખેંચતાણ એટલી હદે વધારી દીધી કે, ભાજપ પક્ષ માટે નહિ પણ ભાજપ માંથી ઉમેદવારી મેળવનારને પાડી દેવામાં નેતાઓને વધુ રસ જાગ્યો હતો. જેના પરિણામે એક સમયનો ભાજપનો કિલ્લો ધ્વસ્થ થઇ ગયો છે.
જ્યાં સંગઠનમાં પક્ષ માટે વફાદાર વ્યક્તિઓને સ્થાન મળવું જોઈએ, તેના બદલે કોઈ વ્યક્તિ માટે વફાદાર હોય તેમને જ મોટા કરવા માટે સંગઠનમાં સ્થાન આપવામાં આવતા જ અંતરીક ખેંચતાણ શરુ થઇ હતી. જયારે બીજી તરફ સ્થાનિક ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ ભાજપના નેતાઓને નુકશાન કરીને એક ખાસ જૂથને સત્તામાં લાવવા માટે જે કાવાદાવા કરવામાં આવ્યા તેના કારણે સમગ્ર તાલુકો હવે ભાજપના આંતરિક સમરાંગણનો સાક્ષી બન્યો છે.
કવાંટ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપના વર્ષો જુના સાશનને ઉખાડી ફેંકીને જે વ્યક્તિઓ સત્તા પર બેઠા હતા તેઓએ આપેલા વચનો પાછલા કેટલાક વર્ષોમાં પુરા થયા ન હતા જેના કારણે કવાંટમાં ભારે અસંતોષની લાગણી હતી. બીજી તરફ ગ્રામ પંચાયતની ચુંટણીમાં જે રીતે ભાજપના જુના શાસકોને હરાવવા માટે ભાજપના કેટલાક નેતાઓએ રસ દાખવ્યો હતો તે રીતે હાલની જીલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ પક્ષની લીટી લાંબી કરવાને બદલે નેતાઓએ અંદરોઅંદર ટાંટિયા ખેંચમાં રહી જતા સીટો ગુમાવવાનો વારો આવ્યો છે.
કવાંટના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે ,તાલુકા પંચાયતમાં ભાજપ માંથી ચુંટણી લડતા ભાવેશ પંચાલ પોતે કવાંટ ગ્રામ પંચાયતના વહીવટકર્તા છે. ભૂતકાળમાં તેઓએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપના જુના સભ્યો વિરુદ્ધ પ્રચાર કરીને એક પૂર્વ નેતાને ઇશારે સત્તા મેળવી હતી. જે બાદ વેપારી મહાજન મંડળ સહીત અનેક ઉપલક્ષ શરુ કરીને કવાંટના લોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે અન્ય કોઈ વ્યક્તિ તેમના કરતા મોટો કેવી રીતે થાય ? તે અદેખાઈને કારણે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે જીલ્લા પંચાયતમાં મૃણાલ પંચાલ ચુંટણી લડતા હતા જયારે તાલુકા પંચાયતમાં ભાવેશ પંચાલ ચુંટણી લડતા હતા. મૃણાલ પંચાલ ચુંટણી ન જીતે તે માટે ભાવેશ પંચાલ જૂથ દ્વારા જ ક્રોસ વોટીંગ કરાવવામાં આવ્યું અને અંતે તેની અસર તાલુકા અને જીલ્લા બંને બેઠકો પર જોવા મળતા બંને બેઠકો ભાજપે ગુમાવવી પડી ! આવી સ્થિતિ છોટાઉદેપુર જીલ્લામાં લગભગ તમામ જીલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર જોવા મળી છે. એક તરફ આદિવાસી મતદારો જાગૃત તો થયા છે. ત્યારે ભાજપની અંદર ચાલતા ગૃહ યુદ્ધને કારણે મતદારો હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.