ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે તાલુકાના 100થી વધુ ગામોના ચેકડેમો આજે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા એક દાયકાથી જાળવણીના અભાવે આ ચેકડેમો તૂટી ગયા હોવાથી વરસાદી પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે, જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે ઊંડા ઉતરી રહ્યા છે.
🏞️નસવાડી તાલુકામાંથી અશ્વિન અને મેણ જેવી બે મોટી નદીઓ પસાર થાય છે, પરંતુ આ નદીઓ પર આવેલા ચેકડેમો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.
જાળવણીનો અભાવ: છેલ્લા 10 વર્ષથી એક પણ ચેકડેમનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. જૂની યોજનાઓ જર્જરિત થઈ છે અને નવી કોઈ યોજના અમલમાં મુકાઈ નથી.
રેતી-માટીનું સામ્રાજ્ય: ખુશાલપુરા ગામ પાસે મેણ નદી પર આવેલો 100 મીટર લાંબો ચેકડેમ અત્યારે માટીથી ભરાઈ ગયો છે. જે પાણી 10 કિલોમીટરના વિસ્તારમાં રોકાવું જોઈએ, તે ચેકડેમની દુર્દશાને કારણે વહી જાય છે.
તંત્ર સામે રોષ: સ્થાનિકોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના ઇજનેરો લાખો રૂપિયાનો પગાર લે છે, પરંતુ ફિલ્ડ પર કોઈ કામગીરી દેખાતી નથી. જિલ્લા પંચાયત અને તાલુકા સ્તરે બેસતા અધિકારીઓ માત્ર કાગળ પર કામ કરતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
🫵સ્થાનિક ગ્રામજન
અંબાલાલ ડુંગરાભીલ ખેડૂત, કુકરદા
“અમારા વિસ્તારમાં નદીઓ હોવા છતાં ચેકડેમો તૂટેલા હોવાથી પાણી રોકાતું નથી. દર વર્ષે ઉનાળામાં અમારે અને અમારા પશુઓએ તરસ્યા રહેવું પડે છે. સરકાર ચોમાસા પહેલા આ ચેકડેમો ગાળે અને રિપેર કરે તેવી અમારી માંગ છે.”
🧐ભૂગર્ભ જળસ્તર ઊંડા જતા હવે ખેતી અને પીવાના પાણી માટે ગ્રામીણ જનતામાં હાહાકાર મચ્યો છે. શું તંત્ર ચોમાસા પહેલા જાગશે અને આ ચેકડેમોનું નવિનીકરણ કરશે? કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ જનતાએ તરસ્યા રહેવું પડશે? તે એક મોટો પ્રશ્ન છે.