આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ, કારોબારી અધ્યક્ષશ્રી નિલેશભાઈ પુરાણી, દંડકશ્રી, શિક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, વિરોધ પક્ષના નેતા, જિ. પં. ના સભ્યશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, શિક્ષક ગણ, તેજસ્વી વિદ્યાર્થિનીઓ અને તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.
એપ્રિલ-૨૦૨૫ માં યોજાયેલી ધો. ૮ ની વાર્ષિક પરીક્ષામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓનું સન્માન
સાંસદ ડો. હેમાંગભાઈ જોષીના અધ્યક્ષસ્થાને આયોજીત સમારોહમાં કુલ ૪૩ વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવી
નવરાત્રિના પ્રથમ દિવસે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી હતી. સાંસદ ડો. હેમાંગભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજીત સન્માન સમારોહમાં જિલ્લા અને આઠેય તાલુકાની તેજસ્વી વિદ્યાર્થિનીઓનું પ્રોત્સાહન રકમ, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ ડો. હેમાંગભાઈ જોષીએ સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને વેગ આપવા માટે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી નવતર પહેલની સરાહના કરી હતી. તેજસ્વી બાળાઓને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી વિકસિત ભારતનું નેતૃત્વ કરવા માટે અને તેમાં સહભાગી થવા માટે શ્રી જોષીએ હાંકલ કરી હતી. આ પહેલથી શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ આવશે અને અન્ય વિદ્યાર્થિનીઓને પણ પ્રેરણા મેળવશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ પણ ધોરણ-૮ માં ઉત્કૃષ્ટ બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માનિત થયેલી વિદ્યાર્થિનીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વડોદરાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરવાની અમૂલ્ય સલાહ આપી હતી. તેમજ ઈનામ મેળવનાર વિદ્યાર્થિનીઓના માતા-પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement
સ્વાગત ઉદબોધનમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મહેશ પાંડેએ સન્માન સમારોહ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ શિક્ષણ વિભાગની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્ય અને દેશમાં આ પ્રકારે ધો. ૮ ની જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવાની નવતર પહેલ કરવામાં આવી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.
એપ્રિલ-૨૦૨૫ માં યોજાયેલી ધોરણ-૮ ની વાર્ષિક પરિક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમથી તૃતીય ક્રમાંક મેળવનાર ત્રણ વિદ્યાર્થિનીઓ અને આઠેય તાલુકામાં તાલુકા કક્ષાએ પ્રથમ પાંચ ક્રમાંક સુધી નંબર મેળવનાર એટલે કે ૪૦ વિદ્યાર્થિનીઓ એમ કુલ ૪૩ તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને રૂ. ૨૫ હજાર, દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને રૂ. ૨૦ હજાર તેમજ તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને રૂ. ૧૫ હજારનું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. આવી જ રીતે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને રૂ. ૧૫ હજાર, દ્વિતીય ક્રમાંક મેળવનારને રૂ. ૧૩ હજાર, તૃતીય ક્રમાંક મેળવનારને રૂ. ૧૧ હજાર, ચોથો ક્રમાંક મેળવનારને રૂ. ૯ હજાર તેમજ પાંચમો ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને રૂ. ૭ હજારની પ્રોત્સાહક રકમ એનાયત કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન સન્માનિત થયેલી વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવી પોતાને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે, તે પણ જણાવ્યું હતું.