હાલ વડોદરા સહિત દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે ચોમાસામાં રોડ પરના ખાડા પૂરવાની કામગીરીમાં ક્યારેક પાલિકાના કોન્ટ્રાક્ટર બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરી દેતા હોય તેવી સ્થિતી સર્જાય છે. આજે વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. ડામર પાથરીને તેના પર રોલર ફેરવાયું હતું. પરંતુ આ કામગીરી એટલી નબળી રીતે કરવામાં આવી કે, કામ કર્યા બાદ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા. આ રીતે થતા પ્રજાના નાણાંના વેડફાટ સામે કોંગ્રેસના અગ્રણીએ અવાજ ઉઠાવ્યો છે. અને પ્રજાના પૈસાનો વેડફાટ અટકાવવા માટેની અપીલ કરી છે.
બુદ્ધિનું પ્રદર્શન કરવાની સાથે નાણાંનો બેફામ વેડફાટ જ્યારે ચોમાસામાં વડોદરા, ખાડોદરા તરીકે ભાસે છે. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા. આ ખાડાઓ પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરાય છે, પરંતુ જે ગતિથી ખાડા પડે છે, તે ગતિથી પુરાતા નથી. જેને પગલે નાગરિકો મુશ્કેલી ભોગવતા રહે છે. આજે પાલિકાના કોન્ટ્રાક્ટરે ચાલુ વરસાદમાં રોડ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કરવાની સાથે નાણાંનો વેડફાટ કર્યો છે. આ રોડ એટલી નબળી ગુણવત્તાનો બન્યો કે, તેમાં હાથ નાંખતા જ પોપડા બહાર આવી જતા હતા. આ મામલો સપાટી પર આવતા પાલિકાની કામગીરી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.
Advertisement
આવા ગુણવત્તાનો રોડ 24 કલાક પણ ટકે તેમ નથી. આ વિશે વોર્ડ નં – 11 ના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ અટલાદરા પોલીસ મથક નજીકનો વિસ્તાર છે. ત્યાં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ એવો બનાવ્યો છે કે, તમે હાથ નાંખો તો ડામરના પોપડા ઉખડીને બહાર આવી જાય ચાલુ વરસાદે ડામર નાં ચોંટે તેવું સૌને ખબર છે, ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટરે તેની બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી. આટલા વરસાદમાં ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર હતી.
આ અધિકારીઓને ફાયદા કરાવવા માટે થઇ રહ્યું છે. આ પ્રજાના પૈસાનો વેડફાટ છે. આ ગુણવત્તાનો રોડ 24 કલાક પણ ટકે તેમ નથી. જેથી ફરી રોડ બનાવવો પડશે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ પોતાનું મગજ દોડાવવું જોઇએ. આ પ્રજાના પૈસાના ખોટા ધૂમાડા થઇ રહ્યા છે.