વડોદરા: ઘટના બાદ મૂર્તિકારને અમે ફોન કર્યો હતો, બાદમાં મૂર્તિકારનો માણસ આવ્યો હતો, અને તેણે ભૂલ સ્વિકારી હતી – વિષશ્વજીત જાડેજા
- પાદરાના મૂર્તિકારનો ગણેશ મંડળને કડવો અનુભવ
- વેલ્ડિંગનું કામ કાચુ કરતા આગમન યાત્રામાં મૂર્તિ સરકી પડી
- મૂર્તિકારને જાણ કરતા તેમા માણસે જે તે સમયે આવીને પોતાની ભૂલ સ્વિકારી
- આ અંગે મૂર્તિકારને જાણ કરતા તેણે ખરાબ ભાષામાં વર્તન કર્યું, બાદમાં હુમલો કર્યો
વડોદરા સહિત દેશભરમાં ગણોશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગતરાત સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં દબદબાભેર ગણેશજીની આગમન યાત્રા યોજાઇ હતી. જો કે, વાસણા રોડ પર આવેલા સાંઇનાથ સાર્વાજનિક યુવક મંડળ માટે આગમન યાત્રા દુખદ રહી હતી. આગમન યાત્રા ગણેશ પંડાલ નજીજ પહોંચી ત્યાંથી શ્રીજીની મૂર્તિ તેના સ્ટેન્ડ પરથી સરકીને નીચે પટકાઇ હતી. જેથી મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. મોડી રાત્રે યુવકોએ પોલીસ અને અગ્રણીઓને સાથે રાખીને તેનું વિસર્જન કર્યું હતું.
આ અંગે પાદરાના મુર્તિકારને બીજા દિવસે જાણ કરવા જતા તેણે દંડા વડે ફટકાર્યા હતા. જે બાદ મામલો પોલીસ મથક પહોંચ્યો છે. સોસાયટીના રહીશોની શ્રદ્ધા અકબંધ રાખવા માટે બીજી શ્રીજીની નવી મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવી છે. યુવકોનું કહેવું છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું.
વાસણા રોડ પર આવેલી સાંઇનાથ સોસાયટીના સાંઇનાથ સાર્વાજનિક યુવક મંડળના યુવા સેવક વિશ્વજીતસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગણેશ સ્થાપનાના બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અમે આન-બાન-શાનથી ગણેશજીની આગમન યાત્રા કાઢી હતી. મોટા ભાગનું અંતર કાપીને અમારી યાત્રા સોસાયટીમાં પ્રવેશી ત્યાં જ ગણેશજીની મૂર્તિ તેના સ્ટેન્ડમાંથી ખસીને નીચે પટકાઇ ગઇ હતી. અને ખંડિત થઇ ગઇ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બનાવટમાં સ્ટેન્ડ પર વેલ્ડિંગનું કામ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા મૂર્તિ સરકી ગઇ હોવાનો અંદાજ છે. અમે અગ્રણીઓને સાથે રાખીને ખંડિત મૂૂર્તિનું તુરંત વિસર્જન કરી દીધું હતું. અને તેની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપવામાં આવી છે.
વિશ્વજીત જાડેજાએ જણાવ્યું કે, આ ઘટના બની ત્યારે મૂર્તિકારને અમે ફોન કર્યો, ત્યારે તેણે ડાહી ડાહી વાતો કરી હતી. ઘટના બાદ મૂર્તિકારનો માણસ આવ્યો હતો, અને તેણે ભૂલ સ્વિકારી હતી. મૂર્તિકાર ધર્મેશ પરમારની ભૂલ સમજાવવા અમે પાદરા તેને ત્યાં ગયા હતા. બાદમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેણે અમારી વાત સાંભળ્યા બાદ ગેરવર્તણુંક કરી હતી. અમને જેમ તેમ બોલવા લાગ્યો હતો. અમે તેની ભાષાનો વિરોધ કરતા, તેણે લોખંડના દંડા વડે અમને માર માર્યો હતો. અમારી શ્રીજીની મૂર્તિના પૈસાનું મૂર્તિકારની ગફલતના કારણે નુકશાન થયું છે.
આ અંગે અમે તુરંત પાદરા પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરી છે. અમને ન્યાય જોઇએ છે. સોસાયટીનો નાના-મોટા યુવાનોએ ઘરે ઘરે જઇને ફાળો એકત્ર કરીને ગણેશજીની મૂર્તિ માટે પૈસા ભેગા કર્યા હતા. મૂર્તિકારની ભૂલ અમે નહીં ભોગવીએ. હાલ પોલીસમાં અરજી કરી છે, જો ત્યાંથી કોઇ નક્કર કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં જઇશું. સાથે જ આ પ્રકારની મોટી ચૂક કરનારને શબક શીખવાડવો જરૂરી છે. જેથી ફરી વખત આવી મોટી, કોઇની ધાર્મિક લાગણી દૂભાય તેવી ભૂલ કરતા પહેલા તે વિચારે.