- જ્યારથી ચૂંટાઇને આવ્યા ત્યારથી જ અમે સતત પ્રયત્નશીલ છે. નવી નલિકાઓ નંખાય તે માટે અમે રજુઆતો કરી છે – કોર્પોરેટર
- કારેલીબાગમાં પાણી ઓછા પ્રેશરથી મળતા લોકોની મુશ્કેલીઓ વધી
- આજે સ્થાનિકોએ કોર્પોરેટરને સાથે રાખીને ટાંકીની મુલાકાત લીધી
- નલિકાનું કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સુધીની રજુઆત કરાઇ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની નજીકની સોસાયટીઓમાં જ પાણીની મોકાણ સર્જાઇ છે. જેને પગલે સ્થાનિકો ખાસા નારાજ અને આક્રોશિત થયા છે. જેને લઇને આજે સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા છે. અને સ્થાનિકોને સાથે રાખીને પાણીની ટાંકીની મુલાકાત લેવામાં આવી છે. એટલું જ નહિં નાગરિકો પોતાની વાત રજુ કરી શકે, તે માટે કોર્પોરેટર દ્વારા તેમની સાથે સંવાદ સાધ્યો હતો. અને સ્થિતી વિગતવાર મુકવાનો પ્રયત્ન કર્યો હતો.
વિસ્તારના કોર્પોરેટર અને પાલિકાના સાશક પક્ષના નેતા મનોજ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, કારેલીબાગ વિસ્તારમાં સૌથી જુનો વિસ્તાર છે. અહિંયા પાણીની ગંભીર સમસ્યા છે. પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. જ્યારથી ચૂંટાઇને આવ્યા ત્યારથી જ અમે સતત પ્રયત્નશીલ છે. નવી નલિકાઓ નંખાય તે માટે અમે રજુઆતો કરી છે. પાણીનો વિકટ પ્રશ્ન ઉકેલાય તે માટે રજુઆતો કરાઇ છે. પાણીની ટાંકીના વિસ્તાર વધારવામાં આવ્યો છે. જેને પગલે પાણીની આવક કરતા જાવક વધારે હોવાના કારણે પ્રેશરનું પ્રમાણ ઓછું થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાયકાથી થતા વિતરણમાં લાઇન લિકેજ છે. જેને પગલે ઝોનમાં પાણીની આવક પર અસર થાય છે. જેથી કારેલીબાગમાં અમુક વિસ્તારોમાં પાણીના પ્રેશરની મોટી તકલીફ રહે છે. અમે આજે જ નાગરિકો સાથે પાણીની ટાંકીની મુલાકાતે જઇને આવ્યા છીએ. નાગરિકોની વાત સાચી છે, લોકો પાણીની ટાંકીએ રાત્રે કોઇ માહિતી લેવા આવતા હોય ત્યારે તેમને સચોટ માર્ગદર્શન મળે. અત્યારે લોકોની માંગણી છે કે, ચાર ચાર દિવસ સુધી પાણીના ઠેકાણા નથી. ટાંકીની આસપાસની સોસાયટીઓમાં જ આ પ્રકારની સમસ્યા છે. આ ટેક્નિકલ બાબત હોવાથી તેમાં કોઇ પ્રકારે વચન ના આપી શકાય, તે અંગે પ્રયત્નો કરી શકાય.
સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, છેલ્લા 4 મહિનાથી અમે પાણીની સમસ્યાથી દુખી છીએ. અને વહીવટી પાંખ અમારી સમસ્યાનો તાત્કાલિક નીકાલ લાવી આપે તેવી આશા અમે રાખીએ છીએ. અમને ભવિષ્યમાં તકલીફ ના પડવી જોઇએ. વડોદરામાં કોઇને પણ તકલીફ ના પડે તેવું આયોજન તંત્ર કરે તેવી અમારી રજુઆત છે. કામ ના કરતા અધિકારીઓ પાસે કામ લેવાની જવાબદારી વહીવટી પાંખની છે.
ભાજપના કોર્પોરેટર બંદિશ શાહે મીડિયાને જણાવ્યું કે, હવે નવા અધિકારી આવ્યા છે. નવી લાઇન મંજુર કરવાની છે. આજવાની ત્રીજી લાઇન નાંખવાનું કામ કોન્ટ્રાક્ટર એક વર્ષથી પૂર્ણ નથી કરતો, તે આવે તો પાણીની સમસ્યા ઉકેલાય તેમ છે. અમે પરમ દિવસે સ્ટેન્ડિંગમાં રજુઆત કરી છે. અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સુધીની રજુઆતો કરી છે. આપણી પાસે પુરતું પાણી છે. કેટલાક વિસ્તારમાં સમસ્યા ઉકેલાઇ છે.