(મૌલિક પટેલ-એડિટર) વડોદરા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થવાને આરે છે છતાંય હાલ સુધી સભ્યોએ સૂચવેલા 140 જેટલા વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આધિકારીઓ આનાકાની કરી રહ્યા છે. જેમાં બે દિવસ પૂર્વે જીલ્લા પંચાયત પ્રમુખને રજુઆત કરવા માટે સભ્યો એકત્રિત થયા હતા. જ્યાં અધિકારીરાજને કારણે અટકી પડેલા કામો અંગે જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.
વડોદરા જીલ્લા પંચાયતમાં ભાજપનું સ્પષ્ટ બહુમતી ધરાવતું બોર્ડ હોવા છતાંય વિકાસના કામો પૂર્ણ કરવા માટે અધિકારીઓના ઈશારે ચાલવું પડતું હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે જીલ્લા પંચાયત સભ્યોને જરૂરી કામગીરી અંગે સૂચનો મળતા હોય છે. જે સૂચનો દ્વારા પંચાયત કક્ષાએ કે તાલુકા પંચાયત કક્ષાએ એસ્ટીમેટ નક્કી થયા બાદ કામગીરીના ખર્ચની મંજૂરી મેળવવાની હોય છે. આ પ્રક્રિયા 4 થી 6 મહિનાનો સમય માંગી લે છે.
જીલ્લા પંચાયતના સભ્યો દ્વારા આ પ્રકારે સૂચવેલા કામોને અંતે વહીવટી મંજૂરીની જરૂર પડે છે. જે માટે વિભાગના અધિકારીઓ અને જીલ્લા વિકાસ અધિકારીની સત્તા સર્વોપરી છે. આ સૂચવેલા કામોમાં 140 જેટલા વિવિધ કામો જેનો અંદાજીત ખર્ચ 3 કરોડ ઉપરાંત છે તેવા કામોને હાલ વહીવટી મંજૂરી મળતી નથી! આ ગૂંચવણને કારણે જીલ્લા પંચાયત સભ્યોએ જીલ્લા પંચાયત પ્રમુખને આ અંગે રજુઆત કરી હતી. જેમાં ગત સપ્તાહે જીલ્લા પંચાયત પ્રમુખ ચેમ્બરમાં જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સભ્યોએ રજુઆત કરી હતી. આ લેખિત એજન્ડા વિનાની બેઠકમાં કેટલાક મહિલા સભ્યોના પતિ પણ હાજર હોય જીલ્લા વિકાસ અધિકારીએ આવતી મિટિંગમાં મહિલા સભ્યોને હાજર રાખવાની ટકોર કરતા કેટલા સભ્યોએ મીટીંગ માંથી વોકઆઉટ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે!
મહત્વનું છે કે, જીલ્લા પંચાયતમાં સ્પષ્ટ સત્તા હોવા છતાંય સરકારી બાબુઓ જ પંચાયત ચલાવતા હોય તેવો ઘાટ છે! જીલ્લા પંચાયત સભ્યોના સુચનથી વહીવટી મંજૂરીએ આવેલા કામોમાં અધિકારીઓ ફેર તપાસ કરીને કામો અટકાવી રહ્યા હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે! કામની જરૂરિયાત જીલ્લા પંચાયત સભ્યએ નક્કી કરવાની હોય તેના બદલે “અધિકારી નક્કી કરે તો જ કામને મંજૂરી મળે” તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક વિકાસના કામોની મંજૂરી પૂર્વે તલાટીને સ્થળ પર પંચકયાસની પણ જવાબદારી સોંપવામાં આવી છે!
આ બેઠકમાં હાજર એક જીલ્લા પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે, “તેઓના વિસ્તારમાં એક મોટા ગામમાં CCTV નાખવા માટે વર્ષ 2022માં દરખાસ્ત કરી હતી, જે દરખાસ્ત આજદિન સુધી વહીવટી મંજૂરી સુધી પહોંચી નથી. નાનામાં નાના ઇલેક્ટ્રીકલ કે ઇલેક્ટ્રોનિક સાધનો “Gem Portal”પરથી ખરીદવા માટે અધિકારીઓ સૂચવી રહ્યા છે, જે સાધનો બજાર કિંમત કરતા Gem Portal પર ચાર ગણા મોંઘા મળે છે અને તેની પ્રોસેસ પણ ઘણી લાંબી છે. અધિકારીઓ ના આવા વલણને કારણે સૂચવેલા કામો પૂર્ણ થવામાં વર્ષો નીકળે છે અંતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાને જવાબ આપવો ભારે પડી જાય છે.”