- ઉત્સવનું પ્લાનીંગ 6 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે જેમના ઓર્ડર લીધા હશે, તેને આ લોકો શું જવાબ આપશે..?
- વડોદરામાં મૂર્તિકારને ત્યાં તોડફોડથી પરિવાર ચિંતિત
- અજાણ્યા શખ્સો દ્વારા અર્ધનિર્મિત મૂર્તિઓ તોડી નુકશાન પહોંચાડ્યું
- ગરીબ પરિવાર પર દુખનું પહાડ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઇ
વડોદરામાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીના આગમનને લઇને ભક્તો દિવસો ગણી રહ્યા છે. ત્યારે મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે શહેરના માંજલપુર વિસ્તારમાં પીઓપીના મૂર્તિકારને ત્યાં ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ કિસ્સામાં મૂર્તિકાર દ્વારા અર્ધનિર્મિત મૂર્તિઓને અજાણ્યા શખ્સોએ તોડીને નુકશાન પહોંચાડ્યું છે. સ્થાનિક અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, મૂર્તિનો કેટલોક ભાગ તો પગથી કચડી કાઢવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
વડોદરામાં મુંબઇની જેમ ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ધામધૂમથી ઉજવાતા ગણોશોત્સવની તૈયારીઓ મૂર્તિકારો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગણેશ મંડળ દ્વારા ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, અને તે અનુસાર મૂર્તિકારો ગણેશજીની મૂર્તિ ઘડી રહ્યા છે. આ વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા અરાજકતા ફેલાય તેવું કૃત્યુ કરવામાં આવ્યું છે. માંજલપુરમાં પીઓપીના મૂર્તિકારને ત્યાં અર્ધનિર્મિત મૂર્તિઓની તોડફોડ કરીને તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. જેને પગલે મૂર્તિકાર પરિવાર ચિંતામાં મુકાયો છે.
સ્થાનિક અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, આજે માંજલપુરમાં આત્મીયધામ પાસે એક ગરીબ પરિવાર વ્યાજ પર પૈસા લાવીને પીઓપીની મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામ શરૂ કર્યાને બે મહિના પણ નથી થયા ત્યાં તેમના દ્વારા અર્ધનિર્મિત મૂર્તિઓને તોડી નાંખવામાં આવી છે. તેમણે રજુઆત કરતા હું દોડી આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ પગથી મૂર્તિઓને કચડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ એકદમ શર્મજનક કૃત્ય છે. ગણેશજીનો તહેવાર આવી રહ્યો છે. તેનું પ્લાનીંગ 6 મહિના પગેલા શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે જેમના ઓર્ડર લીધા હશે, તેને આ લોકો શું જવાબ આપશે..? આ પરિવારોનું મોટું નુકશાન થયું છે. અમે તેમની મદદ કરી રહ્યા છીએ, ગણેશ મંડળો પણ તેમની મદદ માટે આગળ આવે તેવી અપીલ કરૂં છું.