- અમારૂ કામ ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ થાય તેમ હતું છતાં લાંચ ના આપી એટલે હેરાન કરવાનું શરૂ કર્યું હતું – દર્પણ પટેલ
- ભાયલીના પૂર્વ સરપંચને લાલચી નાયબ મામલતદારનો ખરાબ અનુભવ થયો
- પૈસા નહીં આપતા ફાઇલ દફ્તરે કરી હોવાનો ઇમેલમાં આરોપ મુક્યો
- નાયબ મામલતદારથી પીડિત અરજદારો પોતાના ખરાબ અનુભવ સાથે આગળ આવી રહ્યા છે
તાજેતરમાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા નાયબ મામલતદાર સરકારી કામ માટે બિલ્ડરની ખાનગી ઓફિસમાં ગયા હતા. અને તેમણે ગેરરીતિ આચરી હોવાનો કિસ્સો સપાટી પર આવતા જિલ્લા કલેક્ટરે ત્રણને સસ્પેન્ડ કરીને તેમના વિરૂદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી છે. હવે બિલ્ડર બાદ અન્ય પણ નાયબ મામલતદારના ગેરરીતિનો ભોગ બનનાર તેમના વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આજરોજ વડોદરા પાસેના આવેલા ભાયલીના પૂર્વ સરપંચ દ્વારા મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી, કલેક્ટર અને એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને ઇમેલ કરીને પોતાની સાથેની આપવિતી વર્ણવી છે.
ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે ઇમેલ મારફતે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ સાવલીના તુલસીપુરા ગામે જમીન ધરાવે છે. આ જમીનને બિનખેતી કરવા માટે કેસ ઉભો થયો હતો. ત્યાર બાદ સાવલી મામલત દ્વારા દ્વારા આ કેસ ચલાવીને ડે. કલેક્ટરને જમીન સુધારણા કચેરીમાં રિવ્યુ માટે એપ્રિલ – 2024 માં મોકલી આપ્યો હતો. તે બાદ જમીન સુધારણામાં તેમના ચપ્પલ ઘસાઇ ગયા હતા. આખરે તેમણે હર્ષિલ નામના નાયબ મામલતદારનો સંપર્ક કર્યો હતો. અને કેસ વિશે પુછતા તેઓ કોઇ સરખો જવાબ આપતા ન્હોતા.
વધુમાં જણાવ્યું કે, વારંવાર તેઓ નાયબ મામલતદારની ઓફિસે જતા, એક દિવસ તેમણે (નાયબ મામલતદારે) કાનમાં કહ્યું કે, વ્યવહાર કેટલો કરશો. ત્યાર બાદ તેમણે મોબાઇલમાં રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કરતા જ વાત ફેરવીને કહ્યું કે, સાહેબ હાઇકોર્ટ ગયા છે. તમે સાહેબને મળી લેજો. અમારૂ કામ ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ થાય તેમ હતું છતાં લાંચ ના આપી એટલે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સવા વર્ષે સાવલી મામલતદારને ફરી રિમાન્ડ કરવામાં આવે છે. આ કેસ પાછો મોકલ્યો, દરમિયાન ફરી જમીનનો અમુક ભાગ બિન ખેતી કરવા મુક્યો જેમાં નકારાત્મક અભિપ્રાય આપીને ફાઇલ દફ્તરે કરી છે. આ પાછળનું કારણ લાંચ ના આપી હોવાનો આરોપ ઇમેલમાં મુકવામાં આવ્યો છે. તેમણે તેમ પણ કહ્યું કે, હું એસીબીમાં ના જઇ શક્યો કારણકે મારી પાસે કોઇ પુરાવો ન્હતો. પુરાવો મળે તે પહેલા જ હર્ષિલને શંકા ગઇ હતી.
ઇમેલમાં દાદ મંગાઇ છે કે, હર્ષિલ પટેલ તો મહોરૂ છે, તેની પર ગુનો દાખલ કરીને કયા મોટા અધિકારીનો તે વહીવટ કરતો હતો, એ ખબર પડે તો સમાજમાં દાખલો બેસે. સસ્પેન્ડ કરવાથી કે બદલી કરવાથી કોઇ ફર્ક પડતતો નથી, જ્યાં બદલી થઇ ત્યાં લોકોને લૂંટશે. આવી કાર્યવાથી ફરી લાંબ નહીં લે તેની કોઇ ગેરન્ટી નથી. હર્ષિલ સામે એન્ટી કરપ્શન બ્યુરોને કેસ ચલાવવા દો અને તેની આવક પર ફોરેન્સિક ઓડિટ કરવા માટેની માંગ ઇમેલના અંતે કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, વડોદરાના જિલ્લા કલેક્ટર દ્વારા ગેરરીતિના આરોપસર નાયબ મામલતદાર હર્ષિત પટેલ, મહાવીરસિંહ સીનોલ અને મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે બાદ હવે લાંચિયા વૃત્તિ ધરાવતા નાયબ મામલતદારોથી છેતરાયેલા અન્ય પણ સામે આવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું દાખલારૂપ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.