- શૈલેષ પાટીલે જણાવ્યું કે, બહેનની તબિયત ખરાબ છે, તે અંગે જાણ કરી છે. વધારે કોઇ જાણકારી નથી. તેમની પાસેથી વધારે જાણકારી મેળવીશું
આજે વડોદરા પાલિકાની બજેટ સભાનો ત્રીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે શહેરના વહીવટી વોર્ડ નં – 16 ના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલને સાથી કાઉન્સિલરો દ્વારા ઉઘરસ અંગે સલાહો આપીને આડકતરો ટોણો મારવામાં આવતા તેઓ સભાખંડ છોડીને બહાર નીકળી ગયા હતા. મહિલા કાઉન્સિલરે આરોપ લગાવ્યો કે, તેઓ નાદુરસ્ત તબિયત હોવા છતાં સભામાં આવી રહ્યા છે. તેમને ઉઘરસ આવતા સાથી કાઉન્સિલરો દ્વારા તેમને સલાહ રૂપી ટોણો મારવામાં આવ્યો હતો. જેથી તેઓ આખરે રડમસ ચહેરે સભા છોડીને ગયા છે. જ્યારે કોર્પોરેટર નિતીન દોંગાએ મીડિયાને જણાવ્યું કે, બહેનના માથે સીધો એસીનો પવન આવતો હોવાથી મેં તેમને મારી જગ્યાએ આવી જવા કહ્યું હતું. મેં તેમના સારા માટે કહ્યું હતું.
મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મારી તબિયત નાદુરસ્ત છે. છતાં હું પાલિકાની સભામાં આવું છું. મને ઉઘરસ થાય છે, જેથી મને કોર્પોરેટર મનીષભાઇએ કહ્યું કે, તમે ગરમ પાણી પી લો. નિતીનભાઇ કહે છે કે, તમે પેલી સામેની ખુરશી પર જતા રહો. પણ ખાંસી કુદરતી છે. મને પણ ના ગમતું હોય, પણ તબિયત ખરાબ હોવાના કારણે હું શું કરી શકું. તેમને ના ગમતું હોય તો હું સભા ખંડની બહાર નીકળી રહી છું. તેમની બાજુમાં કોઇને ઉઘરસ આવે તે ના ગમતું હોય તો કંઇ વાંધો નથી હું નીકળી જઇશ. હું જવાબદાર કોર્પોરેટર છું, જેથી મારી તબિયત નથી સારી છતાંય હું આવું છું. આ અંગે મેં દંડકને જાણ કરી છે.
જો કે, ઉપરોક્ત વિવાદ અંગે શહેરના વોર્ડ નં – 10 ના કોર્પોરેટર નિતીન દોંગાએ મીડિયાને જણાવ્યું કે, બહેનના માથે એસીનો પવન આવતો હતો. જેથી મેં તેમને કહ્યું કે, તમે મારી જગ્યા પર આવી જાઓ. મેં તો તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને કહ્યું હતું. બહેન કેમ બહાર નીકળી ગયા તે અંગે મને કોઇ જાણ નથી !. જ્યારે દંડક શૈલેષ પાટીલે જણાવ્યું કે, બહેનની તબિયત ખરાબ છે, તે અંગે તેમણે જાણ કરી છે. બાકી વધારે કોઇ જાણકારી નથી. તેમની પાસેથી વધારે જાણકારી મેળવીશું.