- સમગ્ર કાર્યવાહીમાં નિલોફર મુન્નાભાઇ સલમાની (રહે. તાંદલજા, વડોદરા) અને કાલુ (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
રાજસ્થાનથી લાવવામાં આવેલી મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ વડોદરા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા દરોડા પાડીને જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરમાં નશાના કારોબારીઓની કમર તોડવી, શકમંદો પર નજર રાખવા સહિતની કાર્યવાહી કરે છે. તાજેતરમાં એસઓજી ટીમના જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલને અંગત બાતમીદાર તરફથી બાતમી મળી કે, ડભોઇ રોડ પર રહેતો અશોક મહીપાલ નામનો શખ્સ વહેલી સવારે રાજસ્થાનથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યો છે. અને બપોરના સમયે કપુરાઇ જુના જકાતનાકાની આસપાસમાં તેની ડિલિવરી કરનાર છે. આ સાથે જ તેણે પહેરેલા કપડાંના રંગની બારીક માહિતી આપવામાં આવી હતી.
બાતમી મળતા જ એસઓજીની ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં અશોકકુમાર મહીપાલ મેઘવાલ (હાલ ભાડે રહે. મહાનગર, વુડાના મકાન, ડભોઇ) (મુળ રહે. ગર્વા બસ્તી, ઇસ્માલપુર, ઝુનઝુન, રાજસ્થાન) ને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ. 6.62 લાખની કિંમતનો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સાથે તેની પાસેથી મોબાઇલ અને રોકડા મળીને કુલ રૂ. 6.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત કાર્યવાહીમાં નિલોફર મુન્નાભાઇ સલમાની (રહે. તાંદલજા, વડોદરા) અને કાલુ (રહે. પ્રતાપગઢ, રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી નિલોફર સામે અગાઉ એનડીપીએસને ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ મામલે કપુરાઇ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.